કેનેડાનો આરોપ છે કે, ભારત દ્વારા નિજ્જરની હત્યા કરાવવામાં આવી રહી છે અને આ મુદ્દે બાઈડન સરકાર ભારત પર પણ દબાણ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગાર્સેટીએ પોતાના દેશની સરકારને ચેતવણી આપી છે કે, કેનેડા સાથે ભારતના રાજકીય વિવાદના કારણે ભારત અને અમેરિકાના સબંધોમાં થોડા સમય માટે ખટાશ આવી શકે છે. અમેરિકાએ ભારતીય અધિકારીઓ સાથેના પોતાના સંપર્કોને અનિશ્ચિત સમય માટે ઓછા કરવા પડશે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, આ ચેતવણી બાદ અમેરિકા સાવધ થઈ ગયુ છે. બીજી તરફ વિદેશ મંત્રાલયે ગાર્સેટીના નિવેદન પર મૌન ધારણ કરી લીધુ છે.
આ મીડિયા રિપોર્ટમાં બાઈડન સરકારના કેટલાક સભ્યોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, ભારત અને અમેરિકાના સબંધોમાં આવનારા સમયમાં પરેશાની ઉભી થવાની પણ શક્યતા છે.
આ પ્રકારના અહેવાલો વચ્ચે ભારતે કેનેડા સામે આક્રમક વલણ અપનાવવાનુ ચાલુ રાખ્યુ છે. ભારતે કેનેડાના 41 ડિપ્લોમેટસને 10 ઓક્ટોબર પહેલા દેશ છોડી દેવાનો આદેશ આપ્યા બાદ હવે કેનેડાના વડાપ્રધાન ટ્રુડો નરમ પડતા હોવાનુ લાગી રહ્યુ છે.