પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે 7મી ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2023નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન એમને દેશભરની પસંદગીની સંસ્થાઓમાં 100 નવી 5G લેબનું ઉદ્ઘાટન કર્યું હતું.
પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો
આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે આવનારું ભવિષ્ય સંપૂર્ણપણે અલગ હશે. દેશમાં 5G ઝડપથી વિસ્તરી રહ્યું છે. અમે મોબાઈલ બ્રોડબેન્ડ સ્પીડમાં 43મા નંબર પર છીએ. અમારા સમયગાળા દરમિયાન 4Gનું વિસ્તરણ થયું હતું… અને હવે આપણે 6Gના લીડર બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. ઈન્ટરનેટની સ્પીડ માત્ર રેન્કિંગમાં સુધારો કરતી નથી પણ આપણા જીવનની સરળતામાં પણ સુધારો કરે છે. ઇન્ટરનેટની ઝડપ સામાજિક અને આર્થિક બંને રીતે મોટો તફાવત લાવે છે. તે જ સમયે પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જૂની સરકાર એક સમયે હેંગ મોડમાં ગઈ હતી… પછી લોકોએ તેને બદલી નાખી. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી અને આદિત્ય બિરલા પણ હાજર હતા.
2014માં લોકોએ જૂનો ફોન બદલી નાંખ્યો અને અમને મોકો આપ્યો
કોંગ્રેસ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું, “આપણે વિશ્વની ટોચની 3 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંની એક બની ગયા છીએ. આપણે યુનિકોર્નના ક્ષેત્રમાં સદી ફટકારી છે. 2014 પહેલા ભારતમાં 100 સ્ટાર્ટઅપ હતા અને હવે તે 1 લાખ સુધી પહોંચી ગયા છે. જો તમે 10-12 વર્ષ પહેલાના સમય વિશે વિચારશો તો તમને યાદ હશે કે તે સમયના મોબાઈલ ફોનની સ્ક્રીન જૂની થઈ ગઈ હતી અને ફોન વારંવાર હેંગ થતો હતો.. આવી જ સ્થિતિ તે દેશની વર્તમાન સરકારમાં પણ જોવા મળી હતી. તે હેંગ મોડમાં હતી એટલે વર્ષ 2014માં લોકોએ જૂના ફોન છોડીને અમને એક તક આપી હતી. આ પરિવર્તનને કારણે શું થયું તે કહેવાની જરૂર નથી, ટેક્નોલોજીના યુગમાં બધું જ દેખાઈ રહ્યું છે. તે સમયે આપણે મોબાઈલ ફોનના આયાતકાર હતા, આજે આપણે નિકાસકાર બની ગયા છીએ.
Addressing the India Mobile Congress. https://t.co/wY1CG1Hw5A
— Narendra Modi (@narendramodi) October 27, 2023
ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ પર, પીએમ મોદીએ કહ્યું કે ગૂગલ ભારતમાં તેના પિક્સેલ ડીવાઈસનું ઉત્પાદન કરશે. Samsung Galaxy Z Fold5 અને iPhone 15 ભારતમાં પહેલેથી જ બનાવવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આખી દુનિયા ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. આજે મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં આપણી ક્ષમતાને વધુ વધારવાની જરૂર છે…ભારતમાં વિકાસના લાભો દરેક વર્ગ, દરેક પ્રદેશ સુધી પહોંચવા જોઈએ, દરેકને ભારતના સંસાધનોનો લાભ મળવો જોઈએ, ટેકનોલોજી દરેક સુધી પહોંચવી જોઈએ અમે આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છીએ.