રિપબ્લિકન પાર્ટી વતી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીનો પણ સમાવેશ થાય છે. વિવેક રામાસ્વામીના નિવેદનો અને તેમના વિચારો સતત અમેરિકાના લોકોનુ ધ્યાન ખેંચી રહ્યા છે. તેમનુ ભવિષ્ય રાજકીય વિશ્લેષકોને ઉજળુ લાગી રહ્યુ છે.
દુનિયાના ટોચના અબજોપતિમાં સ્થાન પામનારા એલન મસ્ક પણ હવે વિવેક રામાસ્વામીના ચાહક બની ગયા છે. એલન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામાસ્વામીનો વિડિયો શેર કર્યો છે અને તેમાં રામાસ્વામી અમેરિકાના જાણીતા પત્રકાર ટકર કાર્લસન સાથે વાત કરતા નજરે પડી રહ્યા છે. એલન મસ્કે સાથે લખ્યુ છે કે, વિવેક એક પ્રતિભાશાળી કેન્ડીડેટ છે.
He is a very promising candidate https://t.co/bEQU8L21nd
— Elon Musk (@elonmusk) August 17, 2023
રામાસ્વામી માટે જોકે આકરુ ચઢાણ છે. કારણકે રિપબ્લિકન પાર્ટીના સમર્થકો માટે હજી પણ ટ્રમ્પ ઉમેદવાર તરીકે પહેલી પસંદ છે પણ રામાસ્વામી પોતાની સ્થાન ધીરે ધીરે મજબૂત કરી રહ્યા છે. રામા સ્વામી કહી ચુકયા છે કે, અમેરિકા માટે ચીન સૌથી મોટો ખતરો છે અને જો હું રાષ્ટ્રપતિ બન્યો તો ચીન સાથેના તમામ સબંધો ખતમ કરી નાંખીશ. સાથે સાથે ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સાથેના વ્યાપારિક સબંધોને મજબૂત કરવા પર ફોકસ કરીશ. વિવેક રામાસ્વામી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તાનાશાહ બતાવી ચુકયા છે. તેમણે કહ્યુ હતુ કે, અમેરિકાની ચીન પરની નિર્ભરતા ખતમ થાય તે જરૂરી છે. અમેરિકન કંપનીઓ ચીન સાથે વેપાર ખતમ કરે તે દિશામાં હું કામ કરવા માંગુ છું. તેના કારણે થોડો સમય માટે લોકોને પરેશાની થશે પણ એટલો ત્યાગ કરવા માટે લોકોએ તૈયાર થવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, રામાસ્વામીના માતા પિતા મૂળ કેરાલાના છે અને 1985માં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. રામાસ્વામીએ હાર્વર્ડ યુનિવર્સિટીના સ્નાતક છે. તેમણે 2014માં એક બાયોટેક કંપનીની સ્થાપના કરી હતી. આજે તેમની કંપની મલ્ટી મિલિયન ડોલરની છે. તેમની પત્ની અર્પૂવા તિવારી ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં આસિસટન્ટ પ્રોફેસર છે.