ગયા નાણાં વર્ષમાં ભારતીય અર્થતંત્રએ મજબૂત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને મોટા અર્થતંત્રોમાં ઝડપથી વિકસતું દેશ બન્યું હતું પરંતુ નાણાં વર્ષ ૨૦૨૩ના પાછલા ૬મહિનામાં ઉપભોગમાં નબળાઈ, નબળી ગ્રામ્ય માગ તથા ખર્ચના સતત દબાણ ચિંતાના વિષય બની રહ્યા હતા એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું હતું.
મંદ પડી રહેલા વૈશ્વિક વિકાસ, ભૌગોલિકરાજકીય તાણ તથા વૈશ્વિક નાણાં વ્યવસ્થામાં નવેસરથી ઊભરી રહેલી તાણને પગલે નાણાં બજારમાં વોલેટિલિટી વધવાની શકયતા વચ્ચે ભારતીય અર્થતંત્ર સામે ઘટાડાનું જોખમ રહેલું છે.
અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે દેશમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટના નબળા આંક સામે રિપોર્ટમાં ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે. ફુગાવાનું દબાણ અને વિશ્વ વેપાર પર વિભાજનની અસરો ઉપભોગ માગને કદાચ ઘટાડી રહી છે જેનાથી વિકાસ પર અસર પડશે.
ગયા નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં ભારતના અર્થતંત્રની ગતિ ધીમી પડી હતી. પ્રતિકૂળ પાયાની અસરો, ઊંચા ફુગાવાને કારણે ઉપભોગ માગમાં નબળાઈ, મંદ નિકાસ વૃદ્ધિ તતા કાચા માલના ખર્ચના દબાણ અર્થતંત્રની ધીમી ગતિ માટે કારણભૂત રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ગયા નાણાં વર્ષમાં કૃષિ તથા બિન-કૃષિ કામદારોના વેતનમાં વધારો નબળો રહ્યો હતો. ખેત મજુરોના વેતનમાં સરેરાશ ૫.૮૦ ટકા જ્યારે ૂબિન-કૃષિ કામદારોના વેતનમાં સરેરાશ ૪.૯૦ ટકા વૃદ્ધિ થઈ હતી.
શહેરી માગની સરખામણીએ ગ્રામ્ય માગમાં રિકવરી ધીમી ગતિએ જોવા મળી હતી. જો કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ દેશનો આર્થિક વિકાસ દર ગયા નાણાં વર્ષમાં સાત ટકા રહ્યો છે.
સ્થિર વિનિમય દર તથા સામાન્ય ચોમાસાની સ્થિતિમાં વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવો ઘટી ૫.૨૦ ટકા રહેવા અપેક્ષા છે. ગયા નાણાં વર્ષમાં ફુગાવો સરેરાશ ૬.૭૦ ટકા રહ્યો હતો.