જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આદે અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. “સિંહગર્જના” ડી-લિસ્ટીંગ મહારેલીનું આયોજન આજે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે.
સામે આવેલી વિગતો અનુસાર ગુજરાતમાંથી લગભગ એક લાખ જનજાતિ સમુદાયના લોકો આ રેલીમાં ભાગ લેશે. આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ જગન્નાથ મંદિર દર્શન કરી રેલીની શરૂઆત કરાવશે. આદિવાસીમાંથી ઈસાઈ, મુસ્લિમ ધર્મ અંગિકાર કરનારને લાભો ન આપવાની માગ કરવામાં આવી રહી છે. ધર્માતરણ બાદ અનુસૂચિત જનજાતિના લાભો ન આપવાનો કાયદો બનાવવાની પણ માગ કરવામાં આવી છે.
ધર્માતરિત વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢવા બંધારણીય રાહે પગલા લેવાની માગ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યભરમાંથી આદિવાસીઓ પહોંચી રહ્યાં છે. NID બ્રિજ, દધીચી બ્રિજ અને રાણીપથી રેલી સ્વરૂપે આદિવાસી લોકો સભા સ્થળે પહોંચશે. મહારેલી બાદ સભા સ્થળે હજારો આદિવાસીઓને સંબોધન કરાશે. સાબરમતી રિવરફ્રન્ટના ગ્રાઉન્ડ પર વિશાળ મંચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંગ્રેજોના સમયથી આદિવાસી સમાજને છેતરીને ધર્મ પરિવર્તન કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.