જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે તાજેતરમાં જ એક અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે બાળકોનું ભરણપોષણ કરવાની જવાબદારી પિતાની હોય છે. પિતાની જવાબદારી છે કે તે પોતાના સગીર બાળકોનું ભરણપોષણ કરે, ભલે માતા કમાતી હોય તો પણ. જસ્ટિસ સંજય ધરે સુનાવણી દરમિયાન કહ્યું કે માતા કમાતી હોય તો પણ પિતા પોતાના બાળકોનું ભરણપોષણ કરવાની જવાબદારીથી મુક્ત નથી. કોર્ટમાં એક વ્યક્તિએ દલીલ કરી હતી કે તેની પાસે પોતાના સગીર બાળકોનું ભરણપોષણ આપવા માટે પૂરતી આવક નથી. વ્યક્તિએ એ પણ તર્ક આપ્યો કે તેની અલગ રહેતી પત્ની (અને બાળકોની માતા) એક કમાતી મહિલા છે, જેની પાસે બાળકોની સારસંભાળ કરવા માટે પૂરતી આવક છે. જોકે, કોર્ટે આ તર્કને ફગાવી દીધો.
કોર્ટે કહ્યું, ‘સગીર બાળકોના પિતા હોવાના સંબંધે તેમનું ભરણપોષણ કરવું પિતાની કાયદેસર અને નૈતિક જવાબદારી છે. આ સત્ય છે કે બાળકોની માતા કમાતી મહિલા છે અને તેની પાસે આવકનો સ્ત્રોત છે પરંતુ તેનાથી પિતા હોવાના સંબંધે અરજીકર્તાને પોતાના બાળકોનું ભરણપોષણ કરવાની જવાબદારીથી મુક્તિ મળતી નથી. તેથી આ તર્ક નિરાધાર છે.’