સુપ્રીમ કોર્ટમાં આજે NEET પેપર લીક મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. NEETની પરીક્ષામાં ગેરરીતિ અંગે અનેક અરજીઓ સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ મામલે આજે સુનાવણી હાથ ધરી હતી. જોકે બેંચે તમામ પક્ષકારોની દલીલો સાંભળવ્યા બાદ આગામી સુનાવણી 10મી જુલાઈએ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ મામલે કુલ 38 અરજીઓ પેન્ડિંગ છે.
પરીક્ષા રદ કરવી અંતિમ ઉપાય : સીજેઆઈ
NEET પેપર લીક મામલે સીજેઆઈએ પૂછ્યું કે આ પેપર લીકને કારણે કેટલાં વિદ્યાર્થીઓના પરિણામ રોકવામાં આવ્યા? ક્યાં છે વિદ્યાર્થીઓ? 23 જૂને 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવાઈ હતી. શું હજુ પણ આપણે ખોટું કામ કરનારાઓને શોધી રહ્યા છીએ? શું વિદ્યાર્થીઓ મળ્યાં? અમારા મતે તો પરીક્ષા રદ કરવી એ જ અંતિમ ઉપાય રહેશે કેમ કે તેમાં ઘણાં વિદ્યાર્થીઓ સામેલ છે.
પેપર લીક થયું એ વાત તો સાચી જ છે. પણ અમે એ જાણવા માગતા છીએ કે તેની અસર કેટલા લોકોને થઈ કેમ કે અમને 23 લાખ વિદ્યાર્થીઓની ચિંતા છે. જેમણે આ પરીક્ષા આપવા માટે સારી એવી તૈયારી કરી હતી. અનેક લોકો એવા હશે જેમણે પરીક્ષાની તૈયારી કરી, અનેકે પેપર આપવા માટે મુસાફરી પણ કરી. તેમાં ખર્ચો પણ થયો હશે.
‘હવે પેપર લીક ન થવું જોઈએ’
બેંચે પૂછ્યું કે, અમારી સાયબર ફોરેન્સિક ટીમ કઈ પ્રકારની ટેક્નોલોજી ધરાવે છે. શું આપણે તમામ શકમંદોનો ડેટા તૈયાર ન કરી શકીએ? આ પરીક્ષામાં જે કંઈપણ થયું અને અમે જે પગલાં ઉઠાવી રહ્યા છીએ, તેના કારણે હવે પેપર લીક ન થવું જોઈએ.
સીજેઆઈએ સરકારને કર્યો સવાલ
આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે, આ મુદ્દે નિર્ણય લેવા કોઈ નિષ્ણાતને સામેલ ના કરી શકાય? આ વિષયમાં અમે જાતે જ ના પાડવા નથી માંગતા અને આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે, ભવિષ્યમાં આવી વાત ન થવી જોઈએ. તેમણે કહ્યું કે, અમે સરકાર પાસેથી એવું જાણવા માંગીએ છીએ કે, આ મામલે સરકારે શું કર્યું ? 67 વિદ્યાર્થીઓને 100 ટકા મળ્યા છે. આપણે સમજવું પડશે કે, માર્ક આપવાની રીત શું છે?