બોલિવૂડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. મહાઠગ સુકેશ ચંદ્રશેખરથી તેનો પીછો નથી છૂટી રહ્યો. EDએ ફરી એકવાર તેને સમન્સ મોકલ્યું છે. ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવી રહેલ કથિત બળજબરી પૂર્વક વસૂલી રેકેટ સંબંધિત મની લોન્ડરિંગ કેસ હેઠળ જેક્લિનને સમન્સ મોકલવામાં આવ્યું છે. હાલમાં સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં બંધ છે. તેણે જેક્લિનને ખૂબ જ મોંઘા ગિફ્ટ અને લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી. હવે આ મોંઘા ગિફ્ટ એક્ટ્રેસ માટે આફત બની ગયા છે. મીડિયા અહેવાલ પ્રમાણે ED સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, તપાસ એજન્સીને મની લોન્ડરિંગ કેસમાં કેટલાક નવા પુરાવા મળ્યા છે, જેની પુષ્ટિ કરવા માટે અભિનેત્રીને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યુ છે.
ED સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડ રૂપિયા મની લોન્ડરિંગ મામલે બુધવારે તપાસમાં સામેલ થવા માટે મુંબઈ પહોંચી છે. આ વચ્ચે EDએ આજે સવારે એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝને 11 વાગ્યે ED ઓફિસમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે. ED સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીને કેટલાક નવા પુરાવા મળ્યા છે. EDએ આ મામલાની તપાસ માટે જેક્લિન ફર્નાન્ડિઝને સમન્સ મોકલ્યું છે જેથી આ પુરાવાની પુષ્ટિ થઈ શકે.
પહેલા પણ ED પૂછપરછ કરી ચૂકી છે
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હોય. આ પહેલા પણ EDએ ઘણી વખત તેની પૂછપરછ કરી છે. અહેવાલ પ્રમાણે એક્ટ્રેસ સામે ઘણા સમય પહેલા જ મની લોન્ડરિંગ કેસ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચૂકી છે. એટલું જ નહીં તપાસ દરમિયાન તપાસ એજન્સીએ તેની ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરી લીધી છે. EDનું કહેવું છે કે જેક્લિનને સુકેશ ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવતા મની લોન્ડરિંગની પહેલાથી જ જાણ હતી. આ સાથે જ તે બળજબરી પૂર્વક વસૂલી રેકેટથી પણ વાકેફ હતી.
સુકેશ ચંદ્રશેખર પાસેથી લીધા હતા મોંઘા ગિફ્ટ
મીડિયા અહેવાલ પ્રમાણે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ અંગે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેણે સુકેશ ચંદ્રશેખર પાસેથી ઘણા મોંઘા ગિફ્ટ્સ અને લક્ઝરી કાર લીધી હતી. આ ગિફ્ટને અપરાધની કમાણી દ્વારા ખરીદવાનો આરોપ છે. ED સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે EDની પૂછપરછ દરમિયાન જેક્લિને સુકેશ પાસેથી મોંઘા ગિફ્ટ લીધા હોવાનો ઈનકાર કરી દીધો હતો. તેણે પોતાને પીડિત ગણાવી હતી. બીજી તરફ EDનું કહેવું છે કે, એક્ટ્રેસ પોતાના નિવેદનની પુષ્ટિ માટે પુરાવા આપવામાં નિષ્ફળ રહી હતી.