મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૧૦ હજાર જેટલા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. એ પછી હવે રિપોર્ટમાં દાવો થયો છે કે આ મહિનાના અંત સુધીમાં જ મેટા કંપની ૬૦૦૦ કર્મચારીઓને હાંકી કાઢશે. ટૂંક સમયમાં કર્મચારીઓને ઈ-મેઈલથી જાણકારી આપવામાં આવશે એવો દાવો અહેવાલમાં થયો હતો.
મેટા કંપનીમાં છટણીનો દૌર હજુ ચાલી રહ્યો છે. છેલ્લાં વર્ષમાં લગભગ ૨૦ હજાર જેટલાં કર્મચારીઓને હાંકી કાઢ્યા બાદ પણ કંપની વધુ ૧૦ હજાર કર્મચારીઓને બરતરફ કરવાનું વિચારે છે. માર્ક ઝકરબર્ગે થોડા સમય પહેલાં કહ્યું હતું કે કંપની હજુ પણ વધુ કર્મચારીઓને છૂટા કરશે. આ જરૂરી બની ગયું હોવાથી પગલું ભરવામાં આવશે.
મે મહિનામાં કેટલાક કર્મચારીઓને છૂટા કરવામાં આવે તેવી શક્યતા હતી અને કંપની તેની સત્તાવાર જાહેરાત પણ કરવાની હતી, તે પહેલાં માહિતી લીક થઈ ગઈ હતી. એ પ્રમાણે કંપની વધુ ૬૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે. આ અહેવાલ પછી કંપનીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કંપની ટૂંક સમયમાં મેઈલ કરીને જે કર્મચારીઓને છૂટા કરાશે તેને જાણકારી આપશે એવો દાવો અહેવાલમાં થયો હતો. મહિનાના અંત સુધીમાં જ તાત્કાલિક અસરથી આ કર્મચારીઓને હાંકી કઢાશે.
અગાઉ છેલ્લાં એક વર્ષમાં ફેસબુકે અલગ અલગ તબક્કે લગભગ ૨૦ હજાર જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે. વિશ્વભરમાં મેટા કંપની ફેસબુક અને વોટ્સએપ માટે સ્ટાફ ધરાવે છે. એમાંથી છેલ્લાં ૪૦૦૦ કર્મચારીઓને બરતરફ કરાયા હતા. તે પહેલાં નવેમ્બરમાં ૧૧ હજાર કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કંપનીએ કરી હતી.
ગત વર્ષે માર્ચમાં ૧૦ હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. ઝકરબર્ગે છેલ્લે ૧૦ હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી, એમાંથી ચાર હજારને બરતરફ કરાયા હતા અને બાકીના ૧૦ હજારને બરતરફ કરાશે એવી સ્પષ્ટતા કંપનીના એક નિવેદનમાં કહેવાયું હતું. ફેસબુક-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ ૧૩ ટકા સ્ટાફ ઓછો કર્યો છે.