ફૂટબોલ એ દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. ફૂટબોલને લઈને આખી દુનિયામાં દીવાનગી જોવા મળે છે. એમાં પણ જ્યારે ફિફા વર્લ્ડ કપ આવે છે ત્યારે દરેક ફૂટબોલ પ્રેમીઓનો ઉત્સાહ સૌથી વધારે હોય છે. હાલમાં જ કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 રોમાંચક અંદાજમાં પૂરુ થયું.
આર્જેન્ટિના ત્રીજી વાર વર્લ્ડ કપ વિજેતા દેશ બન્યો હતો. હવે 4 વર્ષ બાદ વર્ષ 2026માં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ હમણાથી જ શરુ થઈ ગઈ છે.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA)એ વર્ષ 2026ના ફિફા વર્લ્ડ કપ માટે લોગો અને સત્તાવાર બ્રાન્ડનું અનાવરણ કર્યું છે. લોસ એન્જલસમાં વર્લ્ડ કપ ટ્રોફીના અનાવરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી વાર ફિફાએ ડિઝાઇનની ભાષામાં ફેરફાર અપનાવવા માટે ટ્રોફી સાથે વર્લ્ડ કપનું વર્ષ દર્શાવતું લોગો પસંદ કર્યું છે.
USAના લોસ એન્જલસમાં ગ્રિફિથ ઓબ્ઝર્વેટરી ખાતે લોન્ચ સમારોહ યોજાયો હતો. કારણ કે FIFA વર્લ્ડ કપ 2026 યુએસએ, કેનેડા અને મેક્સિકો દ્વારા યોજવામાં આવશે. FIFA પ્રમુખ જિયાન્ની ઇન્ફેન્ટિનો અને 2 વખતના વર્લ્ડ કપ વિજેતા અને ભૂતપૂર્વ બ્રાઝિલના ફૂટબોલર રોનાલ્ડોએ લોગો રજૂ કર્યું અને ‘લોકો, સ્થાનો અને સમુદાયો’ને સશક્ત બનાવવા માટે ‘We Are 26’ અભિયાન શરૂ કર્યું.
આ પહેલા વર્લ્ડ કપમાં 32 દેશોની ટીમ રમતી હતી. વર્ષ 2026માં ફિફા વર્લ્ડ કપની 80માંથી 60 ફૂટબોલ મેચ અમેરિકામાં રમાશે. જ્યારે મેક્સિકો અને કેનાડામાં 10-10 મેચો રમાશે.
યજમાન દેશોના ફિફા દિગ્ગજ કાર્લી લોયડ, ક્રેગ ફોરેસ્ટ અને જોર્જ કેમ્પોસ સહિત ઘણા FIFA અધિકારીઓ અને ફૂટબોલ ખેલાડીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.વર્લ્ડ કપ જૂન અને જુલાઈ 2026માં યોજાશે અને ફાઈનલ 19 જુલાઈ, રવિવારના રોજ રમાશે. આ વર્લ્ડ કપમાં 48 ટીમો 3 દેશોના 16 યજમાન શહેરોમાં ફૂટબોલ મેચ રમશે. ફિફાએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે 2026નો વર્લ્ડ કપ 48 ટીમનો પ્રથમ વર્લ્ડ કપ હશે કારણ કે ફેડરેશન ઇચ્છે છે કે રમત વધુ દેશો સુધી પહોંચે.