લિંગ સમાનતાના સંદર્ભમાં ભારત 146 દેશોમાંથી 127માં ક્રમે પહોંચી ગયો છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના 2023ના વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે.
ભારતને ગત વર્ષે 135મું સ્થાન અપાયુ હતું
ભારત લિંગ સમાનતાની બાબતમાં 146 દેશોમાંથી 127માં સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના 2023ના વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે. આ પહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમે વર્ષ 2022 માટેના તેના અહેવાલમાં ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારતને 146માંથી 135માં સ્થાન આપ્યું હતું. ભારતની સ્થિતિમાં 1.4 ટકા પોઈન્ટ્સ અને આઠ સ્થાનનો સુધારો થયો છે અને ભારત આંશિક રીતે 2020ના સમાનતાના સ્તર તરફ વધ્યુ છે.
ભારતે તેનો જેન્ડર ગેપ પૂરો કર્યો
દેશે શિક્ષણના તમામ સ્તરે નોંધણીમાં સમાનતા હાંસલ કરી છે. ભારતે તેનો 64.3 ટકા જેન્ડર ગેપ પૂરો કર્યો છે. આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં મહિલાઓ માટે વેતન અને કમાણીમાં થોડો વધારો થયો છે, પરંતુ છેલ્લા રિપોર્ટ કરતા વરિષ્ઠ હોદ્દા અને તકનીકી ભૂમિકાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નજીવો ઘટાડો થયો છે. રાજકીય સશક્તિકરણ પર ભારતે 25.3 ટકા સમાનતા હાંસલ કરી છે, જેમાં 15.1 ટકા સાંસદો મહિલાઓ છે. 2006માં પ્રથમ રિપોર્ટ બાદ દેશમાં મહિલા સંસદસભ્યોની આ સૌથી વધુ સંખ્યા છે.
લિંગ સમાનતામાં આઈસલેન્ડ ટોચના ક્રમે
આ અગાઉ આ વર્ષની શરુઆતમાં જ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તેના જેન્ડર ગેપ રિપોર્ટમાં સ્થાનિક સરકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારીનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. આ ઈન્ડેક્સમાં પાકિસ્તાન 142માં, બાંગ્લાદેશ 59માં, ચીન 107માં, નેપાળ 116માં, શ્રીલંકા 115માં અને ભૂટાન 103માં ક્રમે છે. આઇસલેન્ડ સતત 14મા વર્ષે સૌથી વધુ લિંગ સમાન દેશ છે.