ભારત સંચાર નિગમ લિમિટેડના સહયોગથી ભારતીય સેનાના જવાનોએ આ ટાવર લગાવ્યો છે. પહેલા મોબાઇલ કનેક્ટિવીટી ફક્ત બસ કેમ્પ સુધી જ હતી પરંતુ હવે ટાવર લાગ્યા બાદ પોસ્ટ પર તૈનાત કોઇપણ જવાન મોબાઇલ વડે સંપર્ક સાધી શકે છે.
સિયાચીન કે.કુમાર પોસ્ટ ઉત્તર ગ્લેશિયરમાં છે જ્યાંની ઉંચાઇ 15,600 ફૂટ જેટલી છે. અહીં પહોંચવા માટે કોઇ સડક નથી. સેનાએ મોબાઇલ ટાવર 6 ઓક્ટોબરે લગાવ્યો હતો. આ ટાવર લાગી જવાથી દુર્ગમ વિસ્તારમાં તૈનાત જવાન સરળતાથી પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકે છે.
આ ટાવરને લીધે સેનાના જવાનોને 4G નેટવર્ક મળશે. મોબાઇલ ટાવરની રેન્જ 3થી 4 કિલોમીટર સુધીની છે. સેનાની યોજના છે કે હજુ ઘણા વિસ્તારોમાં આવા ટાવર લગાવવામાં આવે. જેથી સિયાચીનના દરેક વિસ્તારોમાં નેટવર્ક વ્યવસ્થા સુધરે.
બીજી તરફ, એરટેલે પણ આ અઠવાડિયે ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક સ્થિત યુર્ગો ગામમાં તેનો ટાવર સ્થાપિત કર્યો છે. આવી સ્થિતિમાં હવે આ દૂરના વિસ્તારને મોબાઈલ દ્વારા જોડવામાં આવ્યો છે. અગાઉ, આ વિસ્તારમાં મોબાઇલ ટાવરના અભાવને કારણે, પૂર્વી લદ્દાખના આ દૂરના વિસ્તારના રહેવાસીઓ દેશના બાકીના ભાગોથી કપાયેલા અનુભવતા હતા. આ વિસ્તારમાં તૈનાત સૈનિકો અને આઈટીબીપીના જવાનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે છેવાડાના યૂર્ગો ગામમાં મોબાઈલ ટાવર લગાવવાથી વિસ્તારના અન્ય ગામોમાં પણ મોબાઈલ સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે તેવી આશા છે. આ વિસ્તારના કાઉન્સિલર કુંચોક સ્ટેનજિને એરટેલની પ્રશંસા કરી અને કહ્યું કે મોબાઈલ સેવા લોકોની લાંબા સમયથી માંગ છે.