સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી વંદે ભારત ટ્રેન એ ભારતીય રેલવેની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. વંદે ભારત ટ્રેનો દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. જેમાં હવે નોર્થઈસ્ટનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (સોમવાર) 29 મે, બપોરે 12 વાગ્યે આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવશે.
નોર્થ ઈસ્ટમાં પહોંચનારી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીથી આસામના ગુવાહાટી સુધી દોડશે. અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ્રદેશના લોકોને વધુ ઝડપી ગતિએ આરામથી મુસાફરી કરી શકશે. આનાથી રાજ્યમાં પ્રવાસનને પણ વેગ મળશે.
ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડીને જોડતી આ ટ્રેન આ બે સ્થળોને જોડતી વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ એક કલાકનો પ્રવાસ સમય બચાવશે. નવી જલપાઈગુડી-ગુવાહાટી વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ ચાલશે. જે 5 કલાક 30 મિનિટમાં 410 કિમીનું અંતર કાપશે, જ્યારે હાલની સૌથી ઝડપી ટ્રેન આ જ મુસાફરીને પૂર્ણ કરવામાં 6 કલાક 30 મિનિટ લે છે.
ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી વચ્ચેની આ વંદે ભારત ટ્રેન 6 સ્ટેશનો પર ઉભી રહેશે, ન્યૂ જલપાઈગુડી અને ગુવાહાટી જંક્શન જેમાં ન્યૂ અલીપુરદ્વાર, કોકરાઝાર, ન્યૂ બોંગાઈગાંવ અને કામાખ્યા સ્ટેશનનો સમાવેશ થાય છે.
જલપાઈગુડી અને ગુવાહાટી વચ્ચે શરૂ થનારી આ આઠ કોચની ટ્રેન (ટ્રેન નંબર 22227) અઠવાડિયામાં છ દિવસ દોડશે. ટ્રેન ન્યૂ-જલપાઈગુડી જંક્શનથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે ગુવાહાટી પહોંચશે. જ્યારે રિટર્નમાં ટ્રેન નંબર-22228 ગુવાહાટીથી સાંજે 4.30 વાગ્યે ઉપડશે અને લગભગ 10.20 વાગ્યે ન્યૂ જલપાઈગુડી પહોંચશે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદી નવા ઈલેક્ટ્રીફાઈડ રેલ્વે સેક્શનના 182 કિલોમીટરના રૂટને પણ સમર્પિત કરશે. આ ટ્રેનોને ઝડપી ગતિએ ચલાવવામાં અને ટ્રેનોના મુસાફરીનો સમય ઘટાડવામાં તેમજ પ્રદૂષણ મુક્ત પરિવહનની સુવિધા પ્રદાન કરવામાં મદદ કરશે. તેની સાથે ઈલેક્ટ્રિક લાઈન પર ચાલતી ટ્રેનો પણ મેઘાલયમાં પ્રવેશી શકશે.
તમને જણાવી દઈએ કે, નોર્થ ઈસ્ટની પહેલી વંદે ભારત ટ્રેન અને પશ્ચિમ બંગાળની ત્રીજી વંદે ભારત ટ્રેન હશે. આ ટ્રેનનું ટ્રાયલ રન રવિવાર, 21 મે 2023ના રોજ ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી વચ્ચે થયું હતું. ન્યૂ જલપાઈગુડીથી દોડનારી આ બીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ ન્યૂ જલપાઈગુડીથી હાવડા સુધી વંદે ભારત ચલાવવામાં આવતું હતું.