ગૌતમ અદાણી ગ્રુપ તેની 6 વર્ષ જૂની કંપની અદાણી કેપિટલને વેચવાની તૈયારી કરી રહ્યું છે. આ કંપનીને ખરીદવા માટે વિદેશી રોકાણકારોની લાંબી લાઈન લાગી છે. જાણકારી અનુસાર, આગામી થોડા અઠવાડિયામાં આ કંપનીના ખરીદદારો તેના માટે બોલી લગાવશે. જ્યારથી હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો છે ત્યારથી ઘણી વિદેશી કંપનીઓ અદાણી ગ્રુપની કંપનીઓ ખરીદવા પર નજર રાખી રહી છે. હાલમાં, પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ્સ બેઇન કેપિટલ, કાર્લાઇલ ગ્રૂપ અને સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ ગૌતમ અદાણીની છ વર્ષ જૂની શેડો બેન્ક અદાણી કેપિટલને ખરીદવા ઇચ્છે છે.
આગામી સપ્તાહોમાં તેને ખરીદવા માટે બોલી લાગવાની તૈયારી છે. અદાણી ગ્રુપ આ શેડો બેંકને વેચવા માંગે છે કારણ કે તે એવા નોન-કોર બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે જેમાંથી તેને વધારે નફો થયો નથી. તેમની 2000 કરોડની કંપની વેચવા પાછળ પણ ફંડ એકત્ર કરવાનો હેતુ છે.
આટલું છે કંપનીનું વેલ્યુએશન
અદાણી કેપિટલ પાસે એસેટ મેનેજમેન્ટ હેઠળ રૂ. 4000 કરોડ છે. કંપનીની બુક વેલ્યુ રૂ.800 કરોડ છે. તે જ સમયે, કંપનીનું મૂલ્ય 2 હજાર કરોડ રૂપિયા છે. અદાણી કેપિટલનું સંચાલન ભૂતપૂર્વ લેહમેન બ્રધર્સ અને મેક્વેરી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ગૌરવ ગુપ્તા દ્વારા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, અદાણી ગ્રુપે તેના તમામ બિઝનેસની રિવ્યું કર્યા બાદ અદાણી કેપિટલને વેચવાનો નિર્ણય લીધો છે.
શું કામ કરે છે અદાણી કેપિટલ?
બિઝનેસ વર્ષ 2023માં અદાણી કેપિટલની લોન બુક રૂ. 2,690 કરોડ રહી છે. આ દરમિયાન કંપનીને 90.68 કરોડ રૂપિયાનો નફો પણ થયો છે. આ કંપની 4 વર્ટિકલ્સ પર વ્યાપક રીતે કામ કરે છે. તેમાં ફાર્મ ઇક્વિપમેન્ટ લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, બિઝનેસ લોન અને સપ્લાય ચેઇન ફાઇનાન્સનો સમાવેશ થાય છે. આ કંપનીનું એક યુનિટ હાઉસિંગ ફાયનાન્સ માટે પણ કામ કરે છે.
IPOનો પ્લાન ડ્રોપ કર્યો
હિંડનબર્ગનો રિપોર્ટ આવે તે પહેલા કંપની 2024ની શરૂઆતમાં IPO લાવવાની યોજના બનાવી રહી હતી. મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ગૌરવ ગુપ્તાના હવાલે બ્લૂમબર્ગે ગયા જુલાઈમાં રૂ. 1,500 કરોડ ($188 મિલિયન) એકત્ર કર્યાની જાણ કરી હતી. જેમાં આશરે 10% હિસ્સો $2 બિલિયનના લક્ષ્ય મૂલ્યાંકન પર ઓફર કરવામાં આવ્યો હતો.
વિદેશી રોકાણકારો કોણ છે?
બેઈન અને કાર્લાઈલ બંનેએ ભારતના નાણાકીય ક્ષેત્રમાં બેંકો અને એનબીએફસીમાં રોકાણથી લઈને એક્સિસ બેંક, એલએન્ડટી ફાઈનાન્સ, આઈઆઈએફએલ વેલ્થ, એચડીએફસી, યસ બેંક, એસબીઆઈ કાર્ડ્સ અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ જેવી વીમા અને કાર્ડ કંપનીઓમાં મોટો દાવ લગાવ્યો છે.
સર્બેરસ પાસે વિવિધ પૂલમાં $60 બિલિયનની સંપત્તિ છે. તે યસ બેન્કના રૂ. 48,000 કરોડના બેડ લોન પોર્ટફોલિયોને હસ્તગત કરવાની રેસમાં હતી. તેણે તાજેતરમાં SP જૂથના પ્રમોટરોને $1.7 બિલિયનનું ધિરાણ કર્યું છે. જેમણે ભંડોળ ઊભું કરવા માટે તેના ટાટા સન્સના હિસ્સાનો એક ભાગ ગીરવે મૂક્યો હતો.