પાકિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલ ચાલુ છે. શહેબાઝ સરકાર અને પૂર્વ પીએમ ઈમરાન ખાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવે ઈમરાન ખાને મોટો નિર્ણય લેતા નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો એટલે કે NAB સામે 15 અબજ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
આ અંગે ઈમરાન ખાને કહ્યું કે ‘મેં NABના અધ્યક્ષ વિરુદ્ધ 15 અબજ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. મેં તેમને લીગલ નોટિસ મોકલી છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે ‘મારી ધરપકડનું વોરંટ જાહેર રજાના દિવસે જારી કરવામાં આવ્યું હતું અને તેને 8 દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવ્યું હતું. મને અલ-કાદિર ટ્રસ્ટ મામલાની ઈન્કવાયરીને તપાસમાં બદલા અંગે સૂચના આપવામાં નહોતી આવી.
ઈમરાન ખાને કહ્યું કે NAB ઓર્ડિનન્સની કલમ 24માં નિર્ધારિત શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મારા ધરપકડ વોરંટની રીત અને અમલ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. ઈમરાને વધુમાં કહ્યું કે, પાકિસ્તાન રેન્જર્સનો ઉપયોગ ધરપકડ વોરંટને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હતો, જેઓ મને ખૂબ જ ખરાબ રીતે લઈ ગયા હતા. ઈમરાને કહ્યું કે, તેમનો ગુપ્ત ઈરાદો ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી મારી ધરપકડ કરીને મને બદનામ કરવાનો હતો. તેઓ એ બતાવવા માંગતા હતા કે, મારી ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ઈમરાન ખાને કહ્યું કે, હું ચેરિટીમાં વાર્ષિક 10 અબજ રૂપિયા એકત્રિત કરું છું. મારી વિશ્વસનીયતા પર ક્યારેય પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો નથી. છતાં મને નકલી તપાસમાં ફસાવીને મારી ગેરકાયદેસર અને મારી દુર્ભાવનાપૂર્ણ ધરપકડથી મારી પ્રતિષ્ઠાને પ્રતિકૂળ અસર થઈ છે. તેમણે મને ઉપહાસને પાત્ર બનાવ્યો છે. તેથી મને માનહાનિનો દાવો દાખલ કરવાનો અધિકાર છે.