પાકિસ્તાનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કાયદાકીય મુશ્કેલીઓમાંથી બહાર આવી નહીં રહેલા ઈમરાન ખાન બહુ જલ્દી રાજકારણ અને દેશ બંને છોડી દેશે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટમાં કહેવાઈ રહ્યુ છે કે, ઈમરાન ખાન અને આર્મી વચ્ચે આ માટે વાતચીત ચાલી રહી છે. બંને પક્ષો વચ્ચે એવી ડીલ થશે જેમાં ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવામાં આવશે અને તે પછી તેઓ પાકિસ્તાન છોડી દેશે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે તાજેતરમાં ઈમરાન ખાનની બંને બહેનો તેમજ પત્ની બુશરા બીબીએ જેલમાં ઈમરાન સાથે મુલાકાત કરીને એક મિત્રનો મેસેજ આપ્યો હતો. આ વ્યક્તિ બ્રિટનમાં પાવરફુલ મનાય છે.
પાકિસ્તાનના ત્રણ મોટા મીડિયા હાઉસે ઈમરાનખાન રાજકારણ અને દેશ છોડી દેશે તેવો ઈશારો કરતા અહેવાલ પ્રકાશિત કર્યા છે. કારણકે ઈમરાનને જેલમાંથી મુક્તિના બદલામાં દેશ છોડવાનો વિકલ્પ અપાયો છે.
તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ થયેલી છે. આ સિવાય પાંચ વર્ષ માટે તે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવાઈ ચુકયા છે. આ સિવાય બીજા ત્રણ કેસ એવા છે જેમાં ઈમરાન ખાન સામે પૂરતા પૂરાવા છે અને ઈમરાનખાન પણ જાણે છે કે, જો આર્મી અને સરકાર સાથે ડીલ નહીં કરે તો બાકીની જિંદગી તેમને જેલમાં પસાર કરવાનો વારો આવશે. ઉપરાંત તેમની પાર્ટીના બીજા નેતાઓને પણ ચૂંટણી લડતા રોકવામાં આવશે અને અલગ અલગ કેસોમાં જેલમાં ધકેલી દેવાશે.
આર્મી દ્વારા પણ ઈમરાનને દેશ છોડવા માટે મંજૂરી આપી શકાય છે. મીડિયા રિપોર્ટ કહે છે કે, વૈભવી જીવન જીવવાના આદી ઈમરાનખાન જેલમાં લાંબો સમય કાઢી શકે તેમ નથી. તેઓ બહુ જલ્દી સરકાર અને આર્મી સાથે ડીલ કરી લેશે.