તહેલકા મેગેઝિનના સ્થાપક સંપાદક અને પત્રકાર તરુણ તેજપાલને વર્ષ 2013ના યૌન શોષણ કેસમાં મોટો કાનૂની ફટકો પડ્યો છે. બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે ગોવાની ટ્રાયલ કોર્ટ દ્વારા વર્ષ 2021માં આપવામાં આવેલી દોષમુક્તિનો ચુકાદો રદ કરીને તેજપાલને દોષી ઠેરવ્યા છે. ત્યારબાદ કોર્ટે તેમને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે.
આ કેસની શરૂઆત નવેમ્બર 2013માં ગોવામાં યોજાયેલા તહેલકાના ‘THiNK Fest’ દરમિયાન થયેલી કથિત ઘટનાથી થઈ હતી. તહેલકામાં જ કામ કરતી એક જુનિયર મહિલા સહકર્મીએ તેજપાલ પર હોટેલની લિફ્ટમાં બે અલગ પ્રસંગે યૌન હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો.
લાંબી તપાસ, ટ્રાયલ, દોષમુક્તિ અને ગોવા સરકારની અપીલ બાદ લગભગ 13 વર્ષ પછી આ કેસમાં હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે.
કોણ છે તરુણ તેજપાલ?
1963માં જન્મેલા તરુણ તેજપાલ ભારતીય પત્રકારત્વ ક્ષેત્રનું જાણીતું નામ રહ્યા છે. તેમણે 1980ના દાયકામાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’થી પોતાની પત્રકારત્વની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ત્યારબાદ તેમણે ‘ઇન્ડિયા ટુડે’, ‘ધ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ’ અને ‘આઉટલુક’ જેવી જાણીતી મીડિયા સંસ્થાઓ સાથે કામ કર્યું. તેઓ લેખક તરીકે પણ જાણીતા છે.
વર્ષ 2000માં તેમણે ‘તહેલકા’ નામની ન્યૂઝ વેબસાઇટ શરૂ કરી હતી. તપાસ આધારિત રિપોર્ટિંગ અને સ્ટિંગ ઓપરેશન્સના કારણે તહેલકા ટૂંકા સમયમાં જ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું. બાદમાં તહેલકાએ પ્રિન્ટ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો અને તે સાપ્તાહિક મેગેઝિન તરીકે પ્રકાશિત થવા લાગ્યું.
શું છે 2013નો તરુણ તેજપાલ કેસ?
કેસ નવેમ્બર 2013માં ગોવામાં યોજાયેલા ‘THiNK Fest’ સાથે જોડાયેલો છે. તહેલકાના આ કાર્યક્રમમાં દેશ-વિદેશના અનેક મહેમાનો, પત્રકારો અને સંસ્થાના કર્મચારીઓ હાજર હતા.
તહેલકામાં કામ કરતી એક જુનિયર મહિલા પત્રકારે આરોપ મૂક્યો હતો કે 7 નવેમ્બર, 2013ની રાત્રે હોટેલની લિફ્ટમાં તરુણ તેજપાલે તેની ઇચ્છા વિરુદ્ધ યૌન વર્તન કર્યું હતું. ફરિયાદી મહિલાના જણાવ્યા પ્રમાણે, બીજા દિવસે એટલે કે 8 નવેમ્બરે પણ તે જ હોટેલની લિફ્ટમાં બીજી ઘટના બની હતી.
મહિલાએ આરોપ મૂક્યો હતો કે તેજપાલ તેના સિનિયર અને સંસ્થાના સર્વોચ્ચ હોદ્દા પર હોવાથી તેમણે પોતાના પદ અને પ્રભાવનો દુરુપયોગ કર્યો હતો.
મહિલા પત્રકારે મેનેજિંગ એડિટરને મોકલ્યો હતો ઇમેઇલ
ઘટનાના થોડા દિવસો બાદ મહિલા પત્રકારે તહેલકાની તત્કાલીન મેનેજિંગ એડિટર શોમા ચૌધરીને ઇમેઇલ લખીને બંને કથિત ઘટનાઓની વિગત આપી હતી. આ ઇમેઇલની જાણકારી બહાર આવ્યા બાદ મામલો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ સહિત વિવિધ સંસ્થાઓએ પણ ઘટનાની નોંધ લીધી હતી.
ત્યારબાદ ગોવા પોલીસે મામલાની નોંધ લઈને તપાસ શરૂ કરી અને આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી.
તેજપાલનો માફી સંબંધિત ઇમેઇલ પણ બન્યો મહત્વનો મુદ્દો
જેવા આરોપો સાર્વજનિક થયા કે તરુણ તેજપાલે પણ શોમા ચૌધરીને એક મેઇલ કર્યો હતો. આ મેઇલમાં તેજપાલે સ્વીકાર્યું હતું કે તેની ‘ભૂલ’ થઈ હતી અને અંગ્રેજીમાં ‘અ બેડ લેપ્સ ઑફ જજમેન્ટ’ અને ‘એન ઑફૂલ મિસરીડિંગ ઑફ ધ સિચ્યુએશન’ વગેરે જેવા શબ્દો વાપર્યા હતા. સાથે કહ્યું કે તેણે પહેલેથી જ પીડિતાની બિનશરતી માફી માગી લીધી છે. સાથે મેઇલમાં જ જણાવ્યું હતું કે પોતે છ મહિના માટે મેગેઝિનથી દૂર રહેશે. જે-તે સમયે તરુણ તેજપાલ તહેલકામાં એડિટર-ઇન-ચીફની ભૂમિકામાં હતો.
23 નવેમ્બર 2013એ FIR, 30 નવેમ્બરે ધરપકડ
23 નવેમ્બર, 2013ના રોજ ગોવા પોલીસે તરુણ તેજપાલ સામે બળાત્કાર, યૌન ઉત્પીડન અને અન્ય સંબંધિત ગુનાઓ હેઠળ FIR નોંધી હતી.
તેજપાલે આગોતરા જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને રાહત મળી ન હતી. આખરે 30 નવેમ્બર, 2013ના રોજ ગોવા પોલીસે તેમની ધરપકડ કરી.
તપાસ દરમિયાન હોટેલના CCTV ફૂટેજ, ઇમેઇલ, મોબાઇલ અને ડિજિટલ રેકોર્ડ્સ સહિતના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને વિવિધ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા.
લગભગ 2,800 પાનાની ચાર્જશીટ
ફેબ્રુઆરી 2014માં ગોવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ પૂર્ણ કર્યા બાદ કોર્ટમાં લગભગ 2,800 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
ચાર્જશીટમાં મોટી સંખ્યામાં સાક્ષીઓના નિવેદનો ઉપરાંત CCTV અને ડિજિટલ પુરાવાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
જુલાઈ 2014માં સુપ્રીમ કોર્ટે તરુણ તેજપાલને જામીન આપ્યા હતા.
2017માં ચાર્જ ફ્રેમ, તેજપાલે આરોપો નકાર્યા
સપ્ટેમ્બર 2017માં ગોવાની ટ્રાયલ કોર્ટે તેજપાલ સામે બળાત્કાર અને અન્ય સંબંધિત ગુનાઓના આરોપો નક્કી કર્યા અને ટ્રાયલ આગળ વધ્યો.
તેજપાલે પોતાને નિર્દોષ ગણાવ્યા અને આરોપોને નકાર્યા હતા. તેમણે કેસને રાજકીય બદલાની કાર્યવાહી તરીકે રજૂ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
તેજપાલે તેમની સામેનો કેસ રદ કરાવવા સુપ્રીમ કોર્ટનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને રાહત મળી નહોતી અને કેસની ટ્રાયલ ચાલુ રહી.
મે 2021માં ટ્રાયલ કોર્ટે કર્યા હતા નિર્દોષ
લગભગ ચાર વર્ષ ચાલેલી ટ્રાયલ બાદ મે 2021માં ગોવાની સેશન્સ કોર્ટે તરુણ તેજપાલને તમામ આરોપોમાંથી દોષમુક્ત જાહેર કર્યા હતા. ટ્રાયલ કોર્ટનો આ ચુકાદો અત્યંત ચર્ચાસ્પદ બન્યો હતો. કોર્ટે ફરિયાદી મહિલાના ઘટનાપછીના વર્તન, તેના નિવેદનોના કેટલાક પાસાં અને પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચુકાદામાં ફરિયાદી મહિલાએ ઘટના બાદ કઈ રીતે વર્તન કર્યું હતું તેના આધારે કરવામાં આવેલા કેટલાક અવલોકનોની કાનૂની અને સામાજિક વર્તુળોમાં ટીકા પણ થઈ હતી.
Tarun Tejpal Case Timeline
- 7-8 નવેમ્બર 2013: ગોવાની હોટેલમાં બે કથિત યૌન હુમલાની ઘટના.
- નવેમ્બર 2013: મહિલા પત્રકારે તહેલકા મેનેજમેન્ટને ઇમેઇલ કરીને ફરિયાદ કરી.
- 23 નવેમ્બર 2013: ગોવા પોલીસે તેજપાલ સામે FIR નોંધી.
- 30 નવેમ્બર 2013: તરુણ તેજપાલની ધરપકડ.
- ફેબ્રુઆરી 2014: ગોવા ક્રાઇમ બ્રાન્ચે લગભગ 2,800 પાનાની ચાર્જશીટ દાખલ કરી.
- જુલાઈ 2014: સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા.
- સપ્ટેમ્બર 2017: ટ્રાયલ કોર્ટે આરોપો નક્કી કરીને ટ્રાયલ શરૂ કરી.
- મે 2021: ગોવા ટ્રાયલ કોર્ટે તેજપાલને તમામ આરોપોમાંથી દોષમુક્ત કર્યા.
- 2021: ગોવા સરકારે દોષમુક્તિ સામે બૉમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી.
- 6 ઓગસ્ટ 2026: બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે દોષમુક્તિ રદ કરી તેજપાલને દોષી ઠેરવ્યા અને 10 વર્ષની જેલની સજા સંભળાવી.
ટ્રાયલ કોર્ટે તરુણ તેજપાલને કેમ કર્યા હતા દોષમુક્ત?
વર્ષ 2021માં ગોવાની ટ્રાયલ કોર્ટે તરુણ તેજપાલને તમામ આરોપોમાંથી દોષમુક્ત કરતાં 527 પાનાંનો વિગતવાર ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કોર્ટે ફરિયાદી મહિલાના ઘટનાપછીના વર્તન, તેના નિવેદનો અને અન્ય સંજોગો અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ટ્રાયલ કોર્ટે નોંધ્યું હતું કે કથિત ઘટનાના થોડા સમય બાદ લેવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં ફરિયાદી મહિલા સામાન્ય સ્થિતિમાં દેખાતી હતી અને તે ભયભીત કે વ્યથિત હોવાનું સ્પષ્ટપણે દેખાતું નહોતું. કોર્ટે એ મુદ્દે પણ પ્રશ્ન કર્યો હતો કે મહિલાએ ઘટનાની માહિતી પોતાની મહિલા રૂમમેટને આપવાને બદલે ત્રણ પુરુષ સહકર્મીઓ સાથે કેમ શેર કરી હતી.
આ ઉપરાંત ટ્રાયલ કોર્ટે ફરિયાદી મહિલાને શારીરિક ઇજા ન થઈ હોવાના મુદ્દાને પણ પુરાવાના મૂલ્યાંકન દરમિયાન ધ્યાનમાં લીધો હતો.
તરુણ તેજપાલના ઇમેઇલ અંગે બચાવ પક્ષે શું દલીલ કરી?
ઘટના બાદ તરુણ તેજપાલ દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલ પણ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે ઇમેઇલમાં તેજપાલે ક્યાંય બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્વીકાર્યું નહોતું. તેમના વકીલોએ જણાવ્યું હતું કે ઇમેઇલમાં માત્ર અયોગ્ય અથવા અશ્લીલ વાતચીત અંગેની ભૂલનો સ્વીકાર હતો, તેને યૌન હુમલાની કબૂલાત તરીકે ન જોઈ શકાય.
ટ્રાયલ કોર્ટે બચાવ પક્ષની આ દલીલોને મહત્વ આપીને મે 2021માં તરુણ તેજપાલને આરોપોમાંથી દોષમુક્ત કર્યા હતા.
ગોવા સરકારે દોષમુક્તિને બૉમ્બે હાઇકોર્ટમાં પડકારી
ટ્રાયલ કોર્ટના ચુકાદા બાદ ગોવા સરકારે બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચમાં અપીલ દાખલ કરી હતી. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટે ફરિયાદીના નિવેદનોમાં રહેલા નાના વિરોધાભાસોને વધારે મહત્વ આપ્યું હતું અને કેસના મુખ્ય પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન કર્યું નહોતું.
સરકારનું કહેવું હતું કે યૌન શોષણના કેસમાં પીડિતાએ ઘટના બાદ કેવી રીતે વર્તવું જોઈએ તેની કોઈ નક્કી રીત હોઈ શકે નહીં. તેથી ફરિયાદી ઘટના બાદ સામાન્ય દેખાતી હતી કે તેણે તરત કોઈ ચોક્કસ વ્યક્તિને ફરિયાદ કરી ન હતી જેવા મુદ્દાઓને દોષમુક્તિનો મુખ્ય આધાર બનાવવો યોગ્ય નથી.
બૉમ્બે હાઇકોર્ટે 2021નો ચુકાદો પલટાવ્યો
લાંબી સુનાવણી બાદ બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે ગોવા સરકારની અપીલ સ્વીકારી અને ટ્રાયલ કોર્ટનો દોષમુક્તિનો ચુકાદો રદ કર્યો. હાઇકોર્ટે કેસના પુરાવાઓ અને ફરિયાદીના નિવેદનોનું પુનઃમૂલ્યાંકન કરતાં તરુણ તેજપાલને દોષી ઠેરવ્યા.
આ ચુકાદો ખાસ કરીને યૌન ગુનાઓમાં પીડિતાના ઘટનાપછીના વર્તનને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાઇકોર્ટના નિર્ણયથી એ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે કે યૌન શોષણનો ભોગ બનેલી દરેક વ્યક્તિ એકસરખી પ્રતિક્રિયા આપે તે જરૂરી નથી.
સજા પહેલાં તેજપાલે કોર્ટ સમક્ષ શું માંગ કરી?
દોષસિદ્ધિ બાદ સજાના મુદ્દે સુનાવણી દરમિયાન તરુણ તેજપાલના વકીલોએ કોર્ટને વિનંતી કરી હતી કે ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે તેમને સમય આપવામાં આવે.
બચાવ પક્ષે તેજપાલની ઉંમર, કેસને વીતી ગયેલો લાંબો સમય અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સજામાં નરમ વલણ અપનાવવાની માંગ પણ કરી હતી.
બીજી તરફ ગોવા સરકારે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ ગંભીર પ્રકારનો ગુનો છે અને તેમાં નરમ વલણ અપનાવવું યોગ્ય નહીં ગણાય.
Tarun Tejpal Case: હાઇકોર્ટે ફટકારી 10 વર્ષની જેલની સજા
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બૉમ્બે હાઇકોર્ટે તરુણ તેજપાલને 10 વર્ષની જેલની સજા ફટકારી.
આ સાથે વર્ષ 2013માં શરૂ થયેલો અને 2021માં દોષમુક્તિ સુધી પહોંચેલો કેસ ફરીથી સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે તરુણ તેજપાલ હાઇકોર્ટના દોષસિદ્ધિ અને સજાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel