ખાલિસ્તાન નામનું ભૂત વિશ્વમાં ગમે ત્યાં ધૂણે છે. તેનું નવું સ્થાનક કેનેડા છે અને તેના સ્લીપર યુનિટો અમેરિકા, ભારત અને અન્ય દેશોમાં ફેલાયેલા છે. કેનેેડામાં તો વડાપ્રધાન ટ્રૂડોની હાજરીમાં જ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા વાગે છે, તો અમેરિકાના ન્યુ જર્સીમાં એક રાજકીય સભાના સ્ટેજની પાછળ ખાલિસ્તાનનો ફ્લેગ ફગફગતો જોવા મળે છે.
ખાલિસ્તાનની મુવમેન્ટ કેટલાક મુઠ્ઠીભર લોકો ચલાવી રહ્યા છે અને ડોળ એવો થયો છે કે જાણે તમામ શિખો તેમની સાથે છે. ભારતનો એક ટુકડો માગીને ખાલિસ્તાન બનાવવા માગતા લોકોને વિવધ દેશોનો ટેકો મળી રહ્યો છે. ભારતવિરોધી એવું પાકિસ્તાન ખાલિસ્તાનીઓને ટેકો આપે તે સમજી શકાય, પરંતુ અમેરિકામાં પણ સત્તાવાર સ્ટેજની પાછળ ખાલિસ્તાનનો ઝંડો લહેરાવા દે તે બતાવે છે કે ભારત ખાલિસ્તાનવાદને જેટલો દબાવે છે તેટલું બમણા જોરથી તે બહાર આવવા પ્રયાસ કરે છે.
ન્યુ યોર્કની સ્ટેટ ઓફિસમાં પહેલી વાર ચૂંટાયેલાં પંજાબી અમેેરિકન જેનીફર રાજકુમારે શિખ ડે પરેડમાં ભાગ લીધો ત્યારે તેમણે શિખ સમાજના ભરપેટ વખાણ કર્યા હતા. આ ફોટો તેમણેે સોશિયલ મીડિયા પર લોકો સમક્ષ શેર કર્યો ત્યારે તેમાં સ્ટેજ પાછળ ખાલિસ્તાનનો ઝંડો દેખાતા વિવાદ શરૂ થયો છે. લોકોએ પ્રતિભાવ આપતાં કહ્યું કે જેનીફર ત્રાસવાદીઓ સાથે જોડાયેલી છે. શિખ ડે પરેડ, ખાલસા ડે પરેડ તરીકે પણ ઓળખાય છે. જેનીફરને સોશ્યલ નેટવર્ક પર ખૂબ ટ્રોલ કરવામાં આવી છે. એક જણે તો એવું સુધ્ધાં લખ્યું કે ૨૩ જૂન ૧૯૮૫ના રોજ ટોરોન્ટોથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ૩૨૦ પ્રવાસીઓ સમેત ફૂંકી મરાઇ હતી તે આ ભયાનક કૃત્ય કરનારાઓ સાથે જેનીફરનો સંપર્ક છે.
કેનેડાની ઘટના પણ બહુ ચોંકાવનારી છે. કેનેડામાં સૂત્રોચ્ચારની ઘટના જાહેરમાં અને તે પણ વડાપ્રધાન ટ્રૂડોની હાજરીમાં બની છે. આ બનાવ બન્યો ત્યારે કેનેડાના અન્ય નેતાઓ પણ હાજર હતા. ખાલિસ્તાનીઓના મામલામાં કેનેડા અવારનવાર મિસ્ચીફ-મેકર સાબિત થયું છે. કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જર ઠાર મરાયો ત્યારે કેનેડાએ શંકાની સોય ભારત તરફ ચીંધી હતી. ભારતે આ આક્ષેપને પુષ્ટ કરતી સાબિતી માગી હતી, પરંતુ કેનેડાના સત્તાવાળા કશું આપી શક્યા નહોતા.
અસર એવી ઊભી થઈ છે કે કેનેડા ખાલિસ્તાનીઓને દેખાવો કરવા માટે મોકળું મેદાન આપી રહ્યું છે. કેનેડા ભાગલાવાદી તેમજ ત્રાસવાદી તત્ત્વોને સીધું કે આડકતરું પ્રોત્સાહન આપે છે ત્યારે ભારત સાથેના તેના સંબંધો પર માઠી અસર પહોંચે છે. કેનેડા સમજતું નથી કે ગુનાગારોને પ્રોત્સાહન આપીને એ પોતાના નાગરિકો સામે પણ જોખમ ઊભું કરી રહ્યું છે. વૈશ્વિક રાજકરાણના નિષ્ણાતો માને છેે કે વિશ્વમાં ત્રાસવાદ સામે કડક અવાજ ઉઠાવાઇ રહ્યો છે ત્યારે આતંકવાદી સંગઠનો જાહરેમાં પોતાની મેલી મુરાદ વ્યક્ત કરે તે કેનેડા માટે શરમજનક બાબત છે.
કેનેડાની ધરતી પર ભારતવિરોધી પ્રવૃત્તિ ચાલતી હોવાની રજૂઆત ભારત વારંવાર વૈશ્વિક મંચ પર કરી ચૂક્યું છે. ખાલિસ્તાની મુવમેન્ટ ભાગલાવાદી છે. પંજાબના સામાન્ય લોકોને ખાલિસ્તાનીઓ સાથે કશી લેવાદેવા નથી, તો પણ ચંડીગઢ, હરિયાણા ઉપરાંત પાકિસ્તાન હસ્તકના પંજાબ પ્રાંતના કેટલાંક તત્ત્વો અલગ ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે. ઝનૂની ત્રાસવાદી સંગઠનોને ભારતને ડામાડોળ કરી નાખવા માગતા વિરોધીઓનો ટેકો મળી રહે છે.
ખાલિસ્તાનની માગણી આમ તો ખાસ્સી જૂની છે, પરંતુ ૧૯૭૦-૮૦ના ગાળામાં તે એકદમ પ્રકાશમાં આવી હતી. શિખોના ભાગલાવાદી નેતા જગજીત સિંહ ચૌહાણ સાથે પાકિસ્તાનનાં બેનઝીર ભુટ્ટોે હાથ મિલાવ્યા હતા. બેનઝીરે બાંગ્લાદેશનું વેર વાળવા ખાલિસ્તાનની મુવમેન્ટને ટેકો આપવાની તૈયારી બતાવી હતી. ખાલિસ્તાની મુવમેન્ટ દરમ્યાન ભારતે ઘણું ગુમાવ્યું છે. ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને ગુમાવ્યા છે. ભારત ખાલિસ્તાનના ભૂતને બાટલીમાં પુરવાના અનેક પ્રયાસો કરી ચૂક્યું છે, પરંતુ આ ભૂતને વિદેશમાં તેમને છુપાવાની અને તક મળ્યે ધૂણવાની જગ્યા મળી જાય છે.