એક સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મોટા સૈન્ય હુમલાની ચેતવણી આપતા સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકા વચ્ચે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા જોવા મળી હતી. જોકે, થોડા જ કલાકોમાં ટ્રમ્પના સ્વરમાં મોટો ફેરફાર જોવા મળ્યો અને તેમણે ઈરાન સાથે મહત્વપૂર્ણ સમજૂતી અથવા ડીલ થઈ હોવાનો દાવો કર્યો. આ નિવેદન બાદ વિશ્વભરના રોકાણકારોમાં રાહતનો માહોલ સર્જાયો છે અને તેની સીધી અસર શેરબજારથી લઈને કોમોડિટી માર્કેટ સુધી જોવા મળી રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી
ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ગઈકાલે 73,832.55 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે આજે બજાર ખુલતાની સાથે જ તેમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે સેન્સેક્સ 74,834 પોઈન્ટની સપાટી સુધી પહોંચી ગયો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ મજબૂત વૃદ્ધિ સાથે આગળ વધ્યો હતો. ગઈકાલે 23,161.60 પોઈન્ટ પર બંધ થયેલો નિફ્ટી આજે 23,455.95 પોઈન્ટની ઊંચી સપાટી સુધી પહોંચી ગયો હતો. એક જ દિવસમાં લગભગ 294 પોઈન્ટનો વધારો નોંધાતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો
કોમોડિટી માર્કેટમાં પણ આજે તેજીનો માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં જોરદાર વધારો નોંધાયો હતો. ગઈકાલે 1,48,932 રૂપિયા પર બંધ થયેલું સોનું આજે 1,668 રૂપિયાના ઉછાળા સાથે 1,50,600 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયું હતું.
ચાંદીના બજારમાં પણ તેજી જોવા મળી હતી. ગઈકાલે ભારે ઘટાડા બાદ 2,39,653 રૂપિયા પર બંધ થયેલી ચાંદી આજે 2,44,817 રૂપિયાના ઉચ્ચ સ્તર સુધી પહોંચી હતી. એટલે કે એક જ દિવસમાં ચાંદીમાં 5,164 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો હતો.
બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો, વિશ્વને મોટી રાહત
અમેરિકા-ઈરાન તણાવમાં નરમાઈના સંકેતો બાદ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટમાં પણ રાહત જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ગઈકાલે 95 ડૉલર પ્રતિ બેરલની સપાટી સુધી પહોંચી ગયા હતા. જોકે આજે તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવ 90 ડૉલરથી નીચે સરકીને 88.93 ડૉલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
ક્રૂડ ઓઈલના ભાવમાં આ ઘટાડો વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે સકારાત્મક માનવામાં આવી રહ્યો છે, કારણ કે ઊંચા ક્રૂડ ભાવો મોંઘવારી અને આયાત ખર્ચમાં વધારો કરે છે.
ડૉલર સામે રૂપિયો થયો મજબૂત
કરન્સી માર્કેટમાં પણ ભારતીય રૂપિયાને રાહત મળી હતી. ગઈકાલે ડૉલર સામે રૂપિયો 96ની નજીક પહોંચી ગયો હતો, પરંતુ આજે તેમાં મજબૂતી જોવા મળી હતી અને રૂપિયો ફરીથી 95ની આસપાસના સ્તરે ટ્રેડ થવા લાગ્યો હતો. રૂપિયામાં આવેલી આ મજબૂતી ભારત માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.
વૈશ્વિક રોકાણકારોમાં વધ્યો વિશ્વાસ
વિશ્લેષકોના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાના સંકેતો મળતા જ રોકાણકારોમાં વિશ્વાસ પાછો ફર્યો છે. યુદ્ધની આશંકા ઓછી થતાં શેરબજાર, કરન્સી અને કોમોડિટી માર્કેટમાં ખરીદીનો માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાસ્તવિક સ્થિતિ અને સત્તાવાર જાહેરાતો પર વૈશ્વિક બજારોની નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel