પાસપોર્ટના અરજીકર્તાઓ માટે સારા સમાચાર આવ્યા છે. પાસપોર્ટમાં વેઈટિંગ પીરિયડ ઘટાડવા તેમજ ઝડપથી મળે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે પાસપોર્ટ માટે અમદાવાદની ગુલબાઈ ટેકરા ઓફિસથી પણ અરજી સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પાસપોર્ટ કેન્દ્રો દર શનિવારે પણ કાર્યરત રહેશે.
અમદાવાદમાંથી વિદેશ પ્રવાસે તેમજ હાયર એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓ વિદેશમાં જવાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આ ઘસારાને કારણે પાસપોર્ટ અરજદારોને નવો પાસપોર્ટ તેમજ રિન્યૂ પાસપોર્ટ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હાલ પાસપોર્ટ માટેની અરજી કર્યાના કેટલાય દિવસો સુધી અરજદારોને પાસપોર્ટ મળતો નથી. આ માટે આ સમસ્યાને નિવારવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ પાસપોર્ટ ઓફિસે અંદાજે દરરોજ 3 હજાર કરતા પણ વધુ અરજીઓ આવે છે. હાલના સમયમાં પાસપોર્ટ માટે એક મહિના જેટલો વેઈટિંગ પીરિયડ છે. આ વેઈટિંગ પીરિયડ ઘટાડવા માટે અને અરજદારોને ઝડપથી પાસપોર્ટ મળે તે માટે હવે અમદાવાદની ગુલબાઈ ટેકરા ઓફિસથી પણ અરજી સ્વીકારવામાં આવશે. આ નિર્ણયથી અનેક પાસપોર્ટ અરજદારોને રાહત મળશે.