રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં માસૂલ જીંદગીઓ હોમાઈ ગયા બાદ સફાળે જાગેલા વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલીક પગલા ભરવામાં આવ્યા છે. જેમાં રાજકોટનાં 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે.
રાજકોટના 6 અધિકારીને કરાયા સસ્પેન્ડ
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકામાં તેમજ આર એન્ડ બી માં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આર.સુમા તેમજ આસિસ્ટન્ટ ટાઈન પ્લાનર ગૌતમ જોશી, પીઆઈ વી.આર.પટેલ, પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી મોટા અધિકારીઓનો બચાવ કરવામાં આવ્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે સસ્પેન્ડ કરાયેલા લોકો સામે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું.
સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને પુછપરછ માટે બોલાવ્યા
રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર બાબતે ક્રાઈમ બ્રાંચમાં બેઠક મળી હતી. તેમજ સસ્પેન્ડ અધિકારીઓની જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા પૂછપરછ કરાઈ છે. જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી પૂછપરછ કરશે.