મણિપુર સરકારે કહ્યું કે તેણે “શાંતિ અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે” રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને પાંચ દિવસ સુધી લંબાવ્યું છે. હવે 10મી જુલાઈના રોજ બપોરના 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેશે. 3 મેના રોજ જાતીય સમુદાયો વચ્ચે અથડામણ ફાટી નીકળી ત્યારથી સત્તાવાળાઓએ રાજ્યમાં પ્રથમ વખત ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. સમયાંતરે તેને લંબાવવામાં આવતો રહ્યો છે.
આ કારણે લેવાયો નિર્ણય
ગૃહ કમિશનર ટી. રણજિત સિંહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “એવી આશંકા છે કે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો વ્યાપકપણે ઉપયોગ કરીને ભડકાઉ તસવીરો, દ્વેષપૂર્ણ ભાષણો અને જાહેર ભાવનાઓને ઉશ્કેરતા વિડિયો સંદેશાઓ ફેલાવી શકે છે. જેનાથી શાંતિ અને કાયદો વ્યવસ્થા પર ગંભીર અસર કરી શકે છે.
અત્યાર સુધી 120થી વધુ મૃત્યુ પામ્યા
રાજ્યમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની અથડામણમાં લગભગ 120 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3,000 થી વધુ લોકો ઘાયલ થયા છે. 3 મેના રોજ પ્રથમ વખત હિંસા ફાટી નીકળી હતી જ્યારે મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં રાજ્યના પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. મણિપુરની વસ્તીમાં મૈતેઈ સમુદાયના લગભગ 53 ટકા લોકો છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી નાગાઓ અને કુકીઓની વસ્તી 40 ટકા છે અને તેઓ પહાડી જિલ્લાઓમાં રહે છે.