દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમ વચ્ચે નવા સંસદ ભવનમાં મંગળવારથી કામગીરીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવા સંસદ ભવનમાં કહ્યું ભગવાને આ બિલ રજૂ કરવા મારી પસંદગી કરી છે. અમે આ બિલને ‘નારી શક્તિ વંદન કાયદો’ નામ આપ્યું છે. તેમણે બંને ગૃહમાં વિપક્ષ સહિતના સાંસદોને સર્વસંમતિથી આ બિલ પસાર કરવા વિનંતી કરી હતી. આમ, નવા સંસદ ભવનમાં પહેલા જ દિવસે ૨૭ વર્ષથી અદ્ધરતાલ લટકી રહેલું મહિલા અનામત બિલ પુનર્જિવિત થયું છે.
નવા સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા માટે લોકસભામાં બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું હતું. આ બિલ દેશભરમાં વસતી ગણતરી, નવા સીમાંકનની કામગીરી પૂરી થયા પછી જ લાગુ થવાનું હોવાથી તે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં અમલમાં આવે તેવી સંભાવનાઓ નહિવત્ છે. જોકે, નવા સંસદ ભવનમાં આ બિલ સૌથી પહેલું રજૂ થયું છે.
જોકે, બંધારણીય (૧૨૮મો સુધારો) બિલની જોગવાઈઓમાં સ્પષ્ટ કરાયું છે કે અનામત બિલ સીમાંકનની કવાયત પછી જ અમલી બની શકશે અથવા બિલ કાયદો બન્યા પછી હાથ ધરવામાં આવેલી વસતી ગમતરીના આંકડાને ધ્યાનમાં લઈને મતવિસ્તારોની પુનર્રચના કરાશે.
વર્તમાન આંકડા દર્શાવે છે કે લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા ૧૫ ટકા અને ગુજરાત, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ સહિત અનેક રાજ્ય વિધાનસભાઓમાં ૧૦ ટકાથી પણ ઓછી છે. જોકે, મેઘવાલે જણાવ્યું હતું કે, આ બિલનો અમલ થયા પછી હાલમાં લોકસભામાં મહિલાઓની સંખ્યા ૮૨ છે, જે વધીને ૧૮૧ થઈ જશે. સૂચિત બિલ મુજબ મહિલા અનામતનો અમલ ૧૫ વર્ષ સુધી રહેશે અને મહિલાઓ માટે અનામતની અંદર એસસી-એસટી માટે અનામત રહેશે.
સીમાંકનની પ્રત્યેક કાર્યવાહી પછી મહિલાઓ માટે અનામત બેઠકો બદલાશે.અધિકારીઓએ કહ્યું કે, કલમ ૩૬૮ની જોગવાઈ મુજબ બંધારણી સુધારા બિલ માટે ૫૦ ટકા રાજ્યોની સંમતિની જરૂર પડશે, કારણ કે આ બિલની તેમના પર પણ અસર પડશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત માટે વર્ષ ૧૯૯૬થી બિલ રજૂ કરવા અનેક પ્રયત્નો થયા છે. છેલ્લે ૨૦૧૦માં રાજ્યસભામાં આ બિલ રજૂ કરાયું હતું અને તેમાં પાસ પણ થઈ ગયું હતું, પરંતુ આ બિલ લોકસભામાં પાસ થઈ શક્યું નહોતું.
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનમાં તેમનું પહેલું સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના દિવસે ઈતિહાસ રચાયો છે અને ભગવાના ‘આ ઉમદા કામ’ માટે મારી પસંદગી કરી છે તે મારા માટે ગર્વની બાબત છે. નારી શક્તિ વંદન અધિનિયમ દેશના લોકતંત્રને વધુ મજબૂત કરશે. નવા સંસદ ભવનમાં એક પાવન શરૂઆત થઈ રહી છે ત્યારે સર્વસંમતિથી આ કાયદો બનશે તો તેનાથી દેશના લોકતંત્રની તાકત બમણી થઈ જશે. દેશના વિકાસ માટે વધુ ને વધુ મહિલાઓએ રાજકારણમાં જોડાવું જોઈએ.’
તેમણે ઉમેર્યું કે, અનેક વર્ષોથી મહિલા અનામત પર અનેક ચર્ચાઓ થઈ. ૧૯૯૬માં પહેલી વખત આ અંગેનું બિલ રજૂ થયું.
અટલજીના કાર્યકાળમાં પણ મહિલા અનામત બિલ રજૂ થયું, પરંતુ તે પાસ કરાવવાની સંખ્યા થઈ શકી નહીં. મહિલાઓને અધિકાર આપવા અને તેમની શક્તિનો ઉપયોગ કરવાના આ પવિત્ર કામ માટે કદાચ ઈશ્વરે મારી જ પસંદગી કરી છે. અમારી સરકારે ફરી એક વખત આ દિશામાં પગલું ભર્યું છે.
અગાઉ, નવા સંસદ ભવનમાં સાંસદોના પ્રવેશ પહેલાં પીએમ મોદીએ કહ્યું, આપણા માટે આ ભાવુક્તાનો સમય છે. આપણે નવા સંસદ ભવનમાં નવા ભવિષ્યના શ્રીગણેશ કરવા જઈ રહ્યા છીએ.
જૂનું સંસદ ભવન અને વિશેષરૂપે સેન્ટ્રલ હોલ આપણને ભાવુક અને પ્રેરિત કરે છે. આપણા બંધારણે અહીં જ આકાર લીધો અને બંધારણ સભાની બેઠકો થઈ હતી. ૧૯૪૭માં અંગ્રેજ શાસને સત્તાનું હસ્તાંતરણ કર્યું. ૧૯૫૨ પછી દુનિયાના ૪૧ રાષ્ટ્રાધ્યક્ષોએ આ સેન્ટ્રલ હોલમાં સાંસદોને સંબોધન કર્યું છે. આ ગૃહમાં ૪,૦૦૦થી વધુ કાયદા બનાવાયા. અહીં કલમ ૩૭૦ નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો.
આજે ભારત નવી ચેતના સાથે પુનર્જાગૃત થઈ ગયું છે. ભારત નવી ઊર્જાથી ઉત્સાહિત છે.
તેમણે ઉમેર્યું કે, આજે આપણામાંથી કેટલાક લોકો નિરાશ હોઈ શકે છે, પરંતુ દુનિયાને વિશ્વાસ છે કે ભારત વિશ્વના ટોચના ૩ દેશોમાં પહોંચીને રહેશે. ભારતનું બેન્કિંગ સેક્ટર, ગવર્નન્સનું મોડેલ, યુપીએ, ડિજિટલ કામકાજ દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર છે. આપણે એવા સમયમાં છીએ, જ્યારે ભારતની આકાંક્ષાઓ એ ઊંચાઈ પર છે, જે છેલ્લા ૧,૦૦૦ વર્ષમાં નહીં હોય. આપણા માટે આ સૌભાગ્યની વાત છે.