આણંદ જિલ્લાને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા સંકલ્પબધ્ધ બનવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર મિલિંદ બાપના.
આણંદ ખાતે મંગળવારે આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભારતના ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ-આનંદભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ તિરંગો લહેરાવીને ધ્વજવંદન કર્યુ હતુ, ધ્વજવંદન બાદ જિલ્લા કલેકટર મિલિંદ બાપના, પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર તથા અધિક જિલ્લા કલેક્ટરએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરીને નાગરીકોનું અભિવાદન કર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર નામી અનામી શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે ભારતની આઝાદીમાં મહામુલું યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરતાં જણાવ્યું હતુ કે, આપણને મળેલી મહામૂલી આઝાદી માટે શહીદી વહોરનાર તમામ વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા અને દેશવાસીઓમાં સ્વાભિમાનની રાષ્ટ્રચેતના જગાડવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં હાથ ધરાયેલ “મારી માટી, મારો દેશ“ અભિયાનમાં આણંદ જિલ્લાના લોકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક જોડાઇને દેશની એકતા અને અખંડીતતાના દર્શન કરાવ્યા છે.
કલેકટર મિલિંદ બાપનાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આણંદ જિલ્લાના મહામુલા યોગદાનને બિરદાવ્યું હતુ. તેમણે આઝાદી સમયે જિલ્લામાં થયેલા સત્યાગ્રહની વાત કરતાં જણાવ્યું હતુ કે, બોરસદનો સત્યાગ્રહ, રાસ સત્યાગ્રહ અને અડાસના સત્યાગ્રહની સાથે ઉમરેઠ તાલુકાના ખાનપુર ગામનો ફાંસિયો વડ આજે પણ સત્યાગ્રહીઓના યોગદાનની સાક્ષી પૂરી રહયાં છે. દેશી રજવાડાંઓનું એકત્રીકરણ કરીને દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવાનું ભગીરથ કાર્ય કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ જેવા સપૂત આપનારી આણંદની ધરતીનો દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવામાં અમૂલ્ય ફાળો છે તેમ જણાવી મિલિન બાપનાએ સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ સહિતના નેતાઓને યાદ કરી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
કલેકટરએ આણંદ જિલ્લાના ગામે-ગામ “માટીને નમન, વીરોને વંદન” થકી રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાની સાથે દેશ માટે પોતાનું બલિદાન આપનાર દેશના સપૂતોનું સન્માન કરીને એક અનોખું દેશભકિત સભર વાતાવરણ ઉભું કરવા બદલ જિલ્લાના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાવાસીઓએ તિરંગાને લહેરાવીને પોતાના રાષ્ટ્રપ્રેમને દર્શાવ્યો હોવાનું પણ જણાવ્યુ હતું.
તેમણે આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે વિકાસની એક આગવી કેડી કંડારી છે, અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના મંત્ર સાથે કૃષિ, ઉદ્યોગ, સેવા, સમાજ કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે, તેમ જણાવી સર્વાંગી વિકાસની દિશામાં મક્કમતા સાથે આગળ વધી રહેલા આણંદ જિલ્લાને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા સંકલ્પબધ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો.
તેમણે સમગ્ર દેશના નાગરિકોની રાષ્ટ્રપ્રેમની ભાવનાને અભિવ્યક્ત કરવા તથા દેશના અનેક સ્વાતંત્ર્ય વીરોના બલિદાનોની ગાથા યાદ કરીને એમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વડાપ્રધાનએ ‘મારી માટી મારો દેશ’ સૂત્ર દ્વારા યથોચિત માર્ગ આપ્યો છે તેમ જણાવી આ અભિયાનને વધાવી દેશની માટી અને સ્વાતંત્ર્ય વીરોને સાચા અર્થમાં અંજલી અર્પણ કરવા જણાવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાના હસ્તે વિકાસકામો માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિવિધ શાળા-કોલેજો અને સંસ્થાઓ દ્વારા લોક-નૃત્ય, એક ભારત-શ્રેષ્ઠ ભારત જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે મહાનુભાવો દ્વારા વીર શહીદોના સ્મારકને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ આરોગ્ય વિભાગમાં નવી નિમણૂંક પામેલા ૨૦ ડૉક્ટર્સ પૈકી ૭ ડૉક્ટર્સને નિમણૂક-પત્ર આપવામાં આવ્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી,સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર,અધિક જિલ્લા કલેકટર આર.એસ.દેસાઇ, આણંદ પ્રાંત અધિકારી વિમલ બારોટ, અગ્રણી સર્વૈ રાજેશભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.