સમસ્ત કપડવંજ આદિવાસી ભીલ સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ એક થઇ આ દિનની ઉજવણી કરીને પૂર્વજોને યાદ કરી અને આદિવાસીઓના હક્ક-અધિકારો વિશે સૌ જાણે અને આવનારી પેઢીને શિક્ષિત કરી આદિવાસી સમાજનું જ્ઞાન આપીને પ્રકૃતિનું રક્ષણ થાય એ ઉદ્દેશથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને આદિવાસી ભીલ સમાજના રત્નો શબરી માતા, એકલવ્ય, ટાંટીયા ભીલ, બિરસા મુંડા, પૂજા ભીલ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ને યાદ કરી તેઓના જીવનમાંથી સંઘર્ષ, સમર્પણ, સાહસના ગુણો વિકસાવવા સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ટાઉનહોલ ખાતે આદિવાસી ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રહ્યા હતા જ્યાં સૌ આગેવાનોએ સમાજમાંથી વ્યસન અને કુરિવાજના દૂષણો નાબૂદ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને સમાજના લોકોને જાતિના દાખલા માટે પડતી અગવડ નિવારવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની જેવી ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલ, ખેડા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ગોપાલ શાહ, પૂર્વ પ્રમુખ પિન્ટુ સોની, નગરપાલિકા સદસ્ય ચિન્ટુ પટેલ, સ્નેહા ઓઝા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સૌને વિશ્વ આદિવાસી ભીલ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે 1,000 થી વધુ આદિવાસી ભીલ સમાજના ભાઈઓ – બહેનોએ રેલી સ્વરૂપે ટાઉનહોલથી ગાંધીજીની પ્રતિમા, નગરપાલિકા, નટરાજ ટોકીઝ, મીના બજાર, કુબેરજી ચોકડી, જુના એસટી સ્ટેન્ડ થઈ ટાઉનહોલ સુધીની ભવ્ય રેલી યોજી હતી. રેલીમાં સમાજના સૌ લોકોએ શિસ્ત અને સંયમના દર્શન કરાવ્યા હતાં.