ગુજરાત સરકારે રાજ્યના સિરામિક ઉદ્યોગ તેમજ સામાન્ય જનતા માટે મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક એકમોને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે નેચરલ ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર–થાનગઢ વિસ્તારમાં આવેલા સિરામિક ક્લસ્ટરો માટે Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળ આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ₹4.50નો ઘટાડો કરાયો છે.
આ ઘટાડા બાદ સિરામિક એકમો માટે નેચરલ ગેસનો ભાવ હવે અંદાજે ₹38.50 પ્રતિ SCM રહેશે. છેલ્લા કેટલાક સમયથી ગેસના ઊંચા ભાવને કારણે ઘણા ઉદ્યોગકારો પ્રોપેન જેવા વિકલ્પી ઈંધણ તરફ વળી રહ્યા હતા, જેનાથી ઉત્પાદન ખર્ચ તેમજ પ્રદૂષણ બંનેમાં વધારો થતો હતો. ભાવ ઘટાડાથી હવે સિરામિક ઉદ્યોગ ફરી નેચરલ ગેસ તરફ વળશે, ઉત્પાદન ખર્ચ ઘટશે અને પર્યાવરણને અનુકૂળ ઈંધણનો ઉપયોગ વધશે, એવો સરકારનો આશય છે.
રાજ્ય સરકારનો સિરામિક ઉદ્યોગોના હિતમાં અગત્યનો નિર્ણય…
ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી તથા સુરેન્દ્રનગર-થાનગઢના Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળના સિરામિક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં ₹4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો…
રાજ્ય સરકાર દ્વારા આ…
— Gujarat Information (@InfoGujarat) December 31, 2025
આ સાથે રાજ્ય સરકારે સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ ‘નવા વર્ષની ભેટ’ આપી છે. રાજ્યમાં CNGના ભાવમાં પ્રતિ કિલો ₹1 થી ₹1.50 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ સુધારા બાદ CNGનો દર ₹82.37 પ્રતિ કિલોથી ઘટીને ₹81.17 પ્રતિ કિલો થયો છે. આ ઘટાડાનો સીધો લાભ ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી ઓપરેટરો અને મધ્યમ વર્ગના કાર માલિકોને મળશે, જેમના દૈનિક ઈંધણ ખર્ચમાં ઘટાડો થશે. નોંધનીય છે કે આ ભાવ ઘટાડો ગુજરાત ગેસ લિમિટેડના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારો માટે લાગુ પડશે. લાંબા સમયથી સિરામિક ઉદ્યોગ દ્વારા ગેસના ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી, જેનો હવે સરકાર અને કંપની તરફથી સકારાત્મક ઉકેલ આવ્યો હોવાનું ઉદ્યોગ જગતમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel