ગુજરાતમાં વધતા જતા નશાના વલણને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર (Rolling Paper), ગોગો સ્મોકિંગ કોન (Gogo Smoking Cone) અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ તથા હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો આદેશ જાહેર કર્યો છે.
આ નિર્ણય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163(2) અને 163(3) હેઠળ લેવામાં આવ્યો છે. સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે રાજ્યના યુવાનો દ્વારા વિવિધ પ્રકારના નશીલા અને માદક પદાર્થોના સેવન માટે આ સામગ્રીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે યુવા પેઢીમાં નશાની લત સતત વધતી જઈ રહી હતી. આ ગંભીર સ્થિતિને રોકવા અને જાહેર આરોગ્યની રક્ષા કરવા માટે સરકાર દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, આ પ્રકારના રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી રસાયણોનો ઉપયોગ થાય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોવાનું સામે આવ્યું છે અને લાંબા ગાળે ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. હવે રાજ્યમાં પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનો તેમજ તમામ ઓનલાઇન પ્લેટફોર્મ પર આવી વસ્તુઓનું વેચાણ સંપૂર્ણ રીતે બંધ કરવું ફરજિયાત રહેશે.
આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ અથવા દુકાનદાર સામે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 223 હેઠળ કડક કાર્યવાહી અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ પગલું યુવાનોને નશાની લતથી બચાવવા, જાહેર સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને રાજ્યમાં ચાલી રહેલા નશા વિરોધી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે લેવામાં આવ્યું છે. આ સાથે જ તમાકુ સેન્ટર અને હુક્કા પાર્લરો પર પોલીસ દ્વારા સતત દરોડાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખત નિયંત્રણ લાવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel