વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ અને TMC સહિત 19 વિપક્ષી દળોએ ગઈકાલે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કરી રહેલા વિપક્ષ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યુ હતું.
નવી સંસદનો મુદો દેશમાં ચર્ચામાં છે ત્યારે હવે ગુજરાતમાં પણ આ મુદે રાજકારણ ગરમાયુ છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મુદે કહ્યુ હતું કે વિપક્ષનો નિર્ણય અપમાનજનક અને લોકતાંત્રિક મૂલ્યો ઉપર હુમલો છે. હવે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા મોટુ નિવેદન આપ્યુ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ કે નહીં? તેણે કહ્યુ હતું કે વડાપ્રધાન મોદીએ વિદેશની ધરતી પર દેશનું ગૌરવ વધાર્યુ છે. હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે આ પહેલા પણ વિપક્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો હતો.
આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ વિપક્ષને લોકતંત્ર વિરોધી ગણાવ્યુ હતું. તેણે વધુમાં કહ્યુ હતું કે વિપક્ષ પહેલા રામ મંદિર બાદ હવે સંસદ ભવનનો વિરોધ કરે છે. તેમણે કહ્યુ હતું કે સંસદ આપણા માટે એક આસ્થાનું કેન્દ્ર છે.