આર્થિક કટોકટીના પગલે અમેરિકામાં ગુગલ, ટેસ્લા, વોલમાર્ટ સહિતની દિગ્ગજ કંપનીઓ સહિત 237 ટેક કંપનીઓએ 58499 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. જેમાં H1B વિઝાધારકો અમેરિકા છોડવા મજબૂર બન્યા છે. કારણકે, H1B વિઝાધારકોએ નોકરીમાંથી છૂટા થયા બાદ 60 દિવસની અંદર દેશ છોડી દેવાનો નિયમ છે. પરંતુ હાલમાં જ અમેરિકાએ ફેરફારો કરી સમય મર્યાદા વધારી 180 દિવસ કરી છે. જો કે, અમુક પગલાં અપનાવી તેઓ અમેરિકામાં સ્થાયી થઈ શકે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (USCIS) દ્વારા નિવેદન બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, H1B હોલ્ડર્સ વિઝા કેટેગરી બદલવાથી માંડી વિવિધ અરજીઓ કરી વધારે સમય યુએસમાં રહી શકે છે.
H1B વિઝા ધારકો પાસે આ છે વિકલ્પ
– સ્ટેટસના એડજસ્ટમેન્ટ માટે અરજી
– એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ માટે અરજી
– એમ્પ્લોયર બદલવા માટે નોનફ્રિવોલોઅસ પિટિશનનો લાભ લઈ શકો છો
H1B નોન ઈમિગ્રન્ટ્સ નવા એચ1બી વિઝા માટે અરજી કરી નવી કંપનીમાં કામ શરૂ કરી શકે છે. જેના માટે નવો ઓફર લેટર રજૂ કરવાનો રહેશે. આ સિવાય જો કોઈ વ્યક્તિ નવી કંપનીમાં જોડાય છે, તો તે કંપનીએ H-1B વિઝાને શક્ય તેટલી વહેલી તકે લંબાવવા માટે અરજી કરવી પડશે.
USCIS એ એમ પણ કહ્યું કે જો કોઈ કાર્યકર નોકરી ગુમાવ્યા પછી અથવા રાજીનામું આપીને તેના દેશમાં પરત ફરવા માંગે છે તો તેની કંપનીએ તેનો ખર્ચ ઉઠાવવો પડશે. એટલું જ નહીં, તેમના દેશમાં પાછા ફર્યા પછી કર્મચારીઓ અમેરિકામાં નોકરી શોધી શકે છે અને વિઝાના બાકીના સમયગાળામાં ફરીથી અમેરિકા પાછા આવી શકે છે.
શું છે H-1B વિઝા?
H-1B વિઝા એ નોન- ઈમિગ્રન્ટ વિઝા છે. તે અમેરિકન કંપનીઓને વિદેશી કામદારો રાખવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકન કંપનીમાં કામ કરે છે ત્યારે તેને H-1B વિઝા આપવામાં આવે છે. શરૂઆતમાં તે 3 વર્ષ માટે માન્ય છે, જેને 6 વર્ષ સુધી વધારી શકાય છે. H-1B વિઝાના સૌથી વધુ લાભાર્થીઓ ભારતીયો છે. આંકડાઓ અનુસાર, અમેરિકા દર વર્ષે H-1B વિઝા ઇશ્યુ કરે છે તેમાંથી 70 ટકાથી વધુ ભારતીયોને મળે છે.
H1B વિઝા ખર્ચ વધ્યો
એચ-1બી વિઝા, યુ.એસ.માં રોજગાર મેળવવા માંગતા ઘણા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે નિર્ણાયક છે, હવે નોંધપાત્ર રીતે વધુ ખર્ચ થશે. H-1B વિઝા માટેની અરજી ફી USD 460 (રૂ. 38,000થી વધુ) થી વધારીને USD 780 (રૂ. 64,000) કરવામાં આવી છે, જેમાં રજિસ્ટ્રેશન ફી પણ USD 10 (રૂ. 829) થી વધીને USD 215 (રૂ. 17,000થી વધુ) થઇ છે. આ વધારો ટેક ઉદ્યોગને અસર કરી શકે છે, જે વિશિષ્ટ હોદ્દા ભરવા માટે આ વિઝા કેટેગરી પર ખૂબ આધાર રાખે છે.