પરેશ રાવલને તમે મોટા પડદે જેટલા મજેદાર એક્ટર તરીકે જાણો છો હકીકતમાં તેમની પર્સનલ લાઈફ પણ એટલી જ મજેદાર છે.
પરેશ રાવલમાં બાળપણથી ફિલ્મોનું જનૂન એવુ હતુ કે બાળપણમાં લગભગ 9 વર્ષની ઉંમરે તેઓ ટિકિટ વિના ફિલ્મ જોવા થિયેટરમાં ઘૂસી ગયા હતા. આ જનૂન 250 ફિલ્મો કર્યા બાદ પણ આજ સુધી અકબંધ છે. એક વખત તેમનું દિલ મિસ ઈન્ડિયા પર આવી ગયુ અને તે તેમના બોસની પુત્રી નીકળી પરંતુ પરેશ રાવલ પહેલા જ પોતાના મિત્રને કહી ચૂક્યા હતા કે તારી ભાભી તો આ જ બનશે, થયુ પણ એવુ જ.
પરેશ રાવલનો જન્મ 30 મે 1955 એ મુંબઈમાં થયો હતો. તેમનો શરૂઆતનો અભ્યાસ ગુજરાતી મીડિયમ સ્કુલમાંથી થયો. પરેશ રાવલ બાળપણમાં ખૂબ તોફાની હતા. ક્લાસમેટ સાથે મસ્તી કર્યાના કિસ્સા ઘણી વખત તેમના ઘરે પહોંચતા હતા. તેમનુ ઘર મુંબઈના પાર્લા ઈસ્ટમાં હતુ. તેમની ઘરની પાસે નવીન ભાઈ ઠક્કર ઓડિટોરિયમ હતુ. ત્યાં જ્યારે પણ કોઈ પ્લે થતુ, પરેશ રાવલને તેમના ઘરે તેનો અવાજ સંભળાતો.
એક વખત હિંમત કરીને પરેશ રાવલ ટિકિટ વિના તે થિયેટરમાં પ્લે જોવા પહોંચી ગયા પરંતુ પકડાઈ ગયા. પરેશ રાવલે પ્લે જોવા માટે ક્યારેક દાદાગીરી તો ક્યારેક વિનંતી કરી. પછી જ્યારે તેમને થિયેટરના માલિક જોડે લઈ જવાયા તો 9 વર્ષના બાળકની થિયેટર પ્રત્યે આટલી બધી રૂચિ નવીનભાઈને પસંદ આવી અને તેમણે પરેશ રાવલને ટિકિટ વિના શો જોવા માટે પરમિશન આપી દીધી પરંતુ શરત એટલી કે તેઓ સમયસર પહોંચે.
પરેશ રાવલ એક દિવસ 1975માં NSD તરફથી થયેલા ફેસ્ટિવલમાં પહોંચી ગયા હતા. ત્યાં તેમની નજર સાડી પહેરેલી એક યુવતી અટકી ગઈ. તે યુવતી બીજુ કોઈ નહીં તે સમયે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતેલા સંપત સ્વરૂપ હતા. પરેશ રાવલને સંપત સ્વરૂપ ગમી ગયા. તેમણે પાસે ઊભેલા મહેન્દ્ર જોશીને કહ્યુ કે એક દિવસ આ યુવતી મારી પત્ની બનશે. મહેન્દ્ર જોશી તે યુવતીને ઓળખતા હતા. તેથી તેમણે કહ્યુ તુ પાગલ છે શું.. જાણે છે આ યુવતી કોણ છે. તુ જ્યાં કામ કરે છે ને તે બોસની દિકરી છે. બાદમાં પરેશ રાવલે મહેન્દ્ર જોશીને કહ્યુ કે તે ગમે તેની દિકરી હોય કે ગમે તેની બહેન હોય, આ યુવતી મારી પત્ની બનશે.
પરેશ રાવલ પોતાની શ્રેષ્ઠ અદાકારી માટે જાણીતા છે. ફિલ્મમાં હીરો કોઈ પણ હોય પરેશ રાવલ પોતાના સ્ક્રીન ટાઈમમાં એ સાબિત કરી દે છે કે તે ફિલ્મમાં દમદાર રોલમાં છે. તેમણે અત્યાર સુધીમાં 240 ફિલ્મોમાં કામ કર્યું છે તેમાંથી 100 ફિલ્મોમાં તો તેમણે વિલનની ભૂમિકા નિભાવી.