રિયાણાના નૂહમાં ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અહીં બે અઠવાડિયા પહેલા સાંપ્રદાયિક અથડામણોની ઘટના બની હતી, જેમાં છ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવે અહીં ફરી ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ સ્પીડ ઓછી રખાઈ છે. વીડિયો ડાઉનલોડ થઈ રહ્યાં નથી.
અનેક જિલ્લાઓમાં ફેલાઈ હતી હિંસા
તમને જણાવી દઈએ કે 31 જુલાઈના રોજ નૂહમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા બાદ પ્રશાસને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. નૂહ ઉપરાંત, હિંસા ગુરુગ્રામ, પલવલ, ફરીદાબાદ અને હરિયાણાના અન્ય જિલ્લાઓમાં ફેલાઈ ગઈ હતી.
હિંસા કેસમાં વધુ છ આરોપીઓની ધરપકડ
STF અને પોલીસની ટીમો 31મી જુલાઈએ નૂહમાં થયેલી હિંસામાં સામેલ બદમાશોને પકડવાનું અભિયાન ચલાવી રહી છે. પોલીસે રવિવારે સવારે 5 વાગ્યે બડકલી ચોક ખેડલા, નાઈ, ફિરોઝપુર ઝિરકા સહિત અનેક ગામોમાં દરોડા પાડી 16 યુવકોની અટકાયત કરી હતી. પૂછપરછ પછી 6ની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય 10ને છોડી દેવામાં આવ્યા હતા. નૂહ હિંસા પછી નોંધાયેલી 59 એફઆઈઆરમાં, રવિવારે મોડી સાંજ સુધી ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 227 થઈ ગઈ છે. પોલીસ 23 શકમંદોની પૂછપરછ કરી રહી છે.