હાથરસ નાસભાગમાં સુપ્રીમ કોર્ટ તથા અલાહાબાદ હાઈકોર્ટને દખલગીરી કરવા માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દુર્ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી કરી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વ હેઠળ પાંચ સભ્યોની સમિતિ બનાવવા તથા ઉત્તરપ્રદેશ સરકાર સમક્ષ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની માગ કરી છે. જેમાં જણાવ્યું છે કે, આવા આયોજનો માટે માર્ગદર્શિકા બનાવવામાં આવે. તેમજ અલાહાબાદ હાઈ કોર્ટના વકીલ ગૌરવ દ્વિવેદીએ પણ ચીફ જસ્ટિસને પત્ર લખી આ દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવા માગ કરી છે.
પ્રત્યક્ષદર્શીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જિલ્લાના સિકંદરારાઉ કસબા નજીક એટા રોડ સ્થિત ફુલરઈ ગામમાં સત્સંગ બાદ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નાસભાગનું મુખ્ય કારણ કથાવાચક ભોલે બાબાનો કાફલાની ધૂળ લેવા ભક્તોની પડાપડી હતી. જેથી મોટાભાગના લોકો કચડાઈ જવાથી મૃત્યુ પામ્યા હતાં. અત્યારસુધી કુલ 121 લોકોના મોત નીપજ્યા છે. મૃતકો હાથરસ અને એટાના રહેવાસી છે.
મેનેજમેન્ટ જવાબદાર
બપોરે લગભગ 12.30 વાગ્યે સત્સંગ સમાપ્ત થયા બાદ ભીડને રોકી હતી. અને ભોલે બાબા પાછળના દરવાજેથી જઈ રહ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓ બેકાબૂ બની ભોલે બાબાને પગે લાગવા પડપડી કરવા લાગ્યા અને નાસભાગ થઈ. લોકો એક-બીજા પર પગ મૂકીને દોડતા રહ્યા અને સત્સંગ મંડપ નજીક આવેલા ખાડામાં પડ્યા હતા. આ ખાડામાં એકની ઉપર એક દટાઈ જવાથી ગૂંગળામણમાં લોકો મૃત્યુ પામ્યા હતા.