આવતીકાલથી વોશિંગ્ટન ડીસી ફેડરલ કોર્ટરૃમમાં ઇન્ટરનેટ સર્ચમાં ગૂગલની ઇજારાશાહીને પડકારતી કાયદાકીય અરજીઓની સુનાવણી શરૃ થશે. આ સુનાવણીને અત્યાર સુધીની સૌથી મોટી એન્ટીટ્રસ્ટ ટ્રાયલ ગણવામાં આવી રહી છે.
યુએસ ડિસ્ટ્રિકટ જજ અમિત મહેતા સમક્ષ ૧૦ સપ્તાહ સુધી સુનાવણી ચાલશે.આ સુનાવણીમાં ગૂગલ અને તેની કોર્પોરેટ પેરેન્ટ કંપની આલ્ફાબેટ તથા અન્ય શક્તિશાળી ટેકનોલોજી કંપનીઓના અધિકારીઓ હાજર રહેશે.
૨૦૧૯માં ગૂગલના સહ સ્થાપક લેરી પેજનું સ્થાન લેનારા આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇ પણ આ સુનાવણીમાં હાજરી આપે તેવી શક્યતા છે. કોર્ટના દસ્તાવેજ અનુસાર એપલના સૌથી ઉચ્ચ અધિકારીઓ પૈકીના એક એડી ક્યુ પણ હાજર રહેશે.
આ સુનાવણી નવેમ્બરના અંત સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. યુએસ ડિસ્ટ્રિકટ જજ અમિત મહેતા આવતા વર્ષની શરૃઆતમાં ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.
ગૂગલની અન્ય પ્રોડક્ટ ક્રોમ વેબ બ્રાઉઝર, જીમેલ, યુટયુબ અને ઓનલાઇન મેપ ખૂબ જ લોકપ્રિય હોવા છતાં તે ગૂગલ સર્ચ અન્જિન જેટલી લોકપ્રિય થઇ શકી નથી.
ઉલ્લેખનીય છે કે ગૂગલની કોર્પોરેટ પેરેન્ટ કંપની આલ્ફાબેટનું મૂલ્ય ૧.૭ ટ્રિલિયન ડોલર છે. જેના ૧.૮૨ લાખ કર્મચારીઓ છે.