ચોમાસુ બેસી જતા હવે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક મોટા શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાય રહ્યુ છે ત્યારે આજે પણ કેટલાક મહાનગરોમાં વરસાદની સ્થિતીને જોતા એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે ફરી મુંબઈ અને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્યારે સામાન્ય કરતા પણ વધુ વરસાદની આગાહીના કારણે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અવિરત વરસાદને કારણે દેશના ઘણા શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે.
ભારે વરસાદની આગાહી
અનેક રાજ્યમાં ભારે વરસાદ છે ત્યારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મંગળવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી છથી સાત દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ભારેથી અતીભારે વરસાદની આગાહી કરી છે. તે સાથે દિલ્હી એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી એડવાઝરી બહાર પાડવામાં આવી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ત્રણ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. બેને અમૃતસરમાં અને એકને લખનઉમાં ઉતરવું પડ્યું. ત્યારે ખરાબ હવામાનના કારણે ફ્લાઈટ લેન્ડિંગમાં સમસ્યા સર્જાય રહી છે.
મુંબઈમાં યલો એલર્ટ
IMDએ આજના દિવસે વરસાદની સ્થિતીને કહ્યું હતુ કે બુધવારે દિલ્હીમાં ભારે વરસાની આગાહી છે જેને લઈને ત્યાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે પોતાની ચેતવણીમાં કહ્યું છે કે વરસાદને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે. મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે. તમને જણાવી દઈએ કે બુધવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસથી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
દિલ્હીમાં છેલ્લા આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. માર્ચમાં સામાન્ય 17.4 મીમીની સામે 53.2 મીમી, એપ્રિલમાં 16.3 મીમીના સામાન્ય સામે 20.1 મીમી, મે 30.7 મીમીના સામાન્ય સામે 111 મીમી અને જૂનમાં 74.1 મીમીના સામાન્ય સામે 101.7 મીમી વરસાદ નોંધાયો હતો.
ટ્રેન સેવાને પણ અસર
IMDના મુંબઈ પ્રાદેશિક કેન્દ્રે આગામી ત્રણ દિવસ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો મંગળવારે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે બંને કોરિડોર પર સામાન્ય રીતે ચાલી રહી હતી, અધિકારીઓના જણાવ્યા અનુસાર. જો કે, કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે ટ્રેન સેવાઓ 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી છે.