ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન આગામી 22 સપ્ટેમ્બર, 2026ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગરિમામય ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠિત સમારોહ યોજાવાનો છે.
નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત વર્ષ 1954માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી આ સમારોહ મુખ્યત્વે નવી દિલ્હીમાં યોજાતો આવ્યો છે. પ્રથમ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન નવી દિલ્હી બહાર, વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતે થવા જઈ રહ્યું છે.
સમારોહની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠક
સમારોહની પૂર્વ તૈયારીઓ અને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા માટે આજે એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ પ્રભાતની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
બેઠકમાં રાષ્ટ્રપતિના પ્રોટોકોલને અનુરૂપ જરૂરી વ્યવસ્થાઓ, પુરસ્કાર વિજેતાઓ તથા આમંત્રિત મહાનુભાવોની સુવિધાઓ, VVIP વ્યવસ્થા, સુરક્ષા, પરિવહન અને કાર્યક્રમના સુચારુ આયોજન સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ
બેઠક બાદ અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે ખાતે કાર્યક્રમ માટે નિર્ધારિત સ્થળની મુલાકાત લીધી હતી. સ્થળ પર ઉપલબ્ધ સુવિધાઓ અને કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન મહાનુભાવોના આગમન અને પ્રસ્થાન, પ્રોટોકોલ, સુરક્ષા વ્યવસ્થા, વાહન વ્યવહાર, પાર્કિંગ અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સ્થળ પર જ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અનેક ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત
ઉચ્ચસ્તરીય બેઠકમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ કે.કે. નિરાલા અને ડૉ. અજય નાગભૂષણ, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)ના વરિષ્ઠ અધિકારીઓ, નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત માહિતી અને પ્રસારણ મંત્રાલય, દૂરદર્શન, આકાશવાણી, જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા.
એકતાનગર માટે ઐતિહાસિક અવસર
નેશનલ ફિલ્મ એવોર્ડ જેવા રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત સમારોહનું પ્રથમ વખત નવી દિલ્હી બહાર આયોજન થવું એકતાનગર અને ગુજરાત માટે મહત્વપૂર્ણ અવસર માનવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર આ સમારોહથી એકતાનગરની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂતી મળવાની પણ સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel