મંદિર દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે લોકો માટે આ મંદિર ખુલ્લા મુકાયાના એક જ મહિનામાં સાડા ત્રણ લાખ કરતા વધારે ભાવિકોએ અહીંયા દર્શન કર્યા છે.
પીએમ મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આ મંદિરનુ ઉદઘાટન કર્યુ હતુ. એ પછી એક માર્ચે આ મંદિર ભક્તો દર્શન કરી શકે તે માટે ખુલ્લુ મુકાયુ હતુ. મંદિરના પ્રવકતાએ આપેલી જાણકારી પ્રમાણે પહેલા મહિનામાં 3.50 લાખ જેટલા શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો છે અને દર શનિવારે તેમજ રવિવારે તો 50000 લોકો દર્શન માટે આવ્યા છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, દર સોમવારે મંદિર ભાવિકો માટે બંધ રહે છે અને તેનો અર્થ એ થયો કે પહેલા મહિનામાં સોમવારને બાદ કરવામાં આવે તો મંદિર 27 દિવસ ખુલ્લુ રહ્યુ હતુ. મંગળવારથી રવિવાર સુધી રોજ સાંજે મંદિરના સ્વામીનારાયણ ઘાટના કિનારે સાંજે સાડા સાત વાગ્યે ગંગા આરતી કરવામાં આવે છે અને તેનો પણ હજારો ભાવિકો લાભ લે છે.
અબૂ ધાબીમાં બનેલુ આ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 700 કરોડના ખર્ચે 27 એકરમાં બનાવવામાં આવ્યુ છે. જેમાં રાજસ્થાનથી મંગાવવામાં આવેલી 18 લાખ ઈંટો તથા 1.8 લાખ ઘન મીટર બલુઆ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યા છે.