અમેરિકાનાં ન્યૂજર્સીમાં આવેલા રોબિન્સ વિલેમાં ૨જી ઓક્ટોબરે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ અક્ષરધામમાં એક ભવ્ય અને ગૌરવપૂર્ણ સમારોહ આયોજિત કરવામાં આવ્યો. આ દરમિયાન અમેરિકા, કેનેડા અને ભારતમાં જન્મેલા ૩૦ યુવાનોએ ધર્મ અને માનવતા માટે નિ:સ્વાર્થ સેવામય જીવનનો પ્રારંભ કર્યો. મહાત્માજીની જન્મ તારીખના દિવસે અક્ષરધામ મંદિરના નિર્માતા, મહંત સ્વામીજી મહારાજનાં કર કમલોથી દીક્ષા ગ્રહણ કરી તે ૩૦ યુવાનોએ ત્યાગાશ્રમની દીક્ષા લઈ જીવનમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. જે અતૂટ શ્રધ્ધા, વિશ્વાસ, એકતા અને ભક્તિ દ્વારા નિર્દેશિત માર્ગ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
નવ દીક્ષિત પાર્ષદો સાથે સીધી વાત કરતાં મહંત સ્વામીજી મહારાજે તેઓને આશિર્વાદ આપતાં કહ્યું કે, ‘ભગવાન અને સમાજની સેવા કરવાનો તમારામાં દ્રઢ સંકલ્પ હતો, જે આજે સિદ્ધ થયો છે. આજથી નવા જીવનનો આરંભ થાય છે.’
ઉલ્લેખનીય છે કે ૨જી ઓક્ટોબર પૂ. બાપુનો જન્મદિન ‘અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવાય છે. તે દિવસે જ ‘મૂલ્યો અને અહિંસા વ્રત’ નામક એક સાંસ્કૃતિક કાર્યક્રમની રોબિન્સન વિલેમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર અમેરિકા ખંડના હરિભક્તો ૨જી ઓક્ટોબરે એકત્રિત થયા હતા.
આ પ્રસંગ સંદર્ભે કેટલાકે તેવી પણ ટિપ્પણી કરી હતી કે, કેટલાક ધર્મના અનુયાયીઓ છેતરપિંડી અને બળજબરીથી પોતાનો ધર્મ અપનાવવા અન્યોને ખાસ કરીને છેતરીને બનાવાયેલી પત્નીઓને ફરજ પાડે છે. જ્યારે અહીં પ્રેમ અને સદ્ભાવનાથી વૈદિક ધર્મ જેના મૂળમાં રહેલો છે. તેવા ધર્મ પ્રત્યે શિક્ષિત યુવાનોને વાળે છે.