રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તાર કચ્છની મુલાકાત લેવાના છે. અમિત શાહ આજે ભુજ એરપોર્ટ પર આવશે અને ત્યાથી તેઓ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.
– કેન્દ્રીય ગૃહમંત્રી @AmitShah આજે ગુજરાતની મુલાકાતે
– વાવાઝોડું #બિપરજોય થી અસરગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત@AmitShahOffice #Gujarat #BiparjoyCyclone #CycloneBiporjoy pic.twitter.com/yJRZZBXUGr
— DD News Gujarati (@DDNewsGujarati) June 17, 2023
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જેને પગલે આજે ભારત સરકારના અધિકારીઓ, રાજ્યના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તમામ પ્રકારની મદદ આપવા માટે પહેલ કરી હતી. આજે અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે. આ ઉપરાંત અમિત શાહ આજે અમદાવાદ પણ આવી શકે છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બિપરજોય વાવાઝોડા દરમિયાન કેન્દ્ર સરકારએ રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ રાજ્યમાં મોકલવામાં આવી હતી.
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારને ભારે નુકસાન પહોંચાડયુ છે. બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થયુ હતું અને વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આગમચેતી રુપે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેના પગલે મોટી જાનહાની ટળી હતી. જો કે વાવાઝોડાને પગલે હજુ પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.