કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 14 ઓક્ટોબરે તેમનો ગુજરાતમાં પહેલો દિવસ હતો જેમાં તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં હાજરી આપી હતી. જ્યારે બીજા દિવસે એટલે કે 16 ઓક્ટોબરે તેમણે માણસા ખાતે તેમના કુળદેવી માતાના મંદિરે નવરાત્રિના પ્રથમ નોરતા નિમિત્તે આરતી કરી હતી અને તેજ દિવસે મોડી રાત્રે અમિત શાહની હાઈ લેવલ બેઠક પણ યોજાઈ હતી.
અહેવાલોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 16 ઓક્ટોબરે મોડી રાત્રે લગભગ 12:30ના સમયગાળામાં મંત્રી નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક બોલાવી હતી. અમિત શાહની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
આ બેઠક સવારના લગભગ 5:00 વાગ્યા સુધી ચાલી હતી. આ મિટિંગને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મિટિંગમાં ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરબદલ અથવા તો ખાલી જગ્યા ભરવા કે પછી લોકસભા ચૂંટણીની તૈયારી અને બોર્ડ નિગમને લઈને ચર્ચા થઈ હોવાની અટકળો સેવાઇ રહી છે.
રાત્રે 12:30 એ શરૂ થયેલી બેઠક સવારે 5 વાગ્યા સુધી ચાલી
નવરાત્રિના પહેલા નોરતે ગાંધીનગરમાં આયોજિત ગરબા મહોત્સવમાં ભાગ લીધા બાદ આ બધા નેતાઓએ મંત્રી નિવાસસ્થાન પર ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મિટિંગનું આયોજન કર્યું હતું. આ બેઠક રાજકીય રીતે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
સંગઠન અને મંત્રીમંડળમાં બદલાવ કે વિસ્તરણને લઈને કેટલાક મહત્વના નિર્ણયો પર મહત્વની વાતો થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાત્રે 12:30 વાગે શરૂ થયેલી આ બેઠક સવારે 5:00 વાગ્યા સુધી ચાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત દિલ્હીથી કરાશે
ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી આ બેઠક ગુજરાત ભાજપ સંગઠન અને ગુજરાત સરકારના બદલાવને લઈને મહત્વની માનવામાં આવી રહી છે. લગભગ બે કલાકના નિયત સમય માટે શરૂ થયેલી આ બેઠક લગભગ 5 વાગ્યા સુધી ચાલી હતી.
આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓની જાહેરાત આગામી 2-3 દિવસમાં દિલ્હી ખાતેથી કરવામાં આવશે, ત્યારે ખરી વિગતો વિશેની માહિતી મળી શકશે. હાલ રાજકારણમાં આ મિટિંગને લઈને ઘણી બધી રાજકીય અટકળો ચાલી રહી છે.