કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં રેગિંગનો એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે એવો કેસ સામે આવ્યો છે. અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના નિર્દોષ વિદ્યાર્થી સાથે તેના જ ત્રણ સહપાઠીઓએ શાળાની અંદર જ બહુ જ હિંસક રીતે મારપીટ કરી, જેના કારણે બાળકના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ છે. હાલ પીડિત વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા અહેવાલો મુજબ, પીડિત વિદ્યાર્થી સાથે આ ત્રણ સહપાઠીઓ છેલ્લા ઘણા દિવસોથી દુર્વ્યવહાર કરતા હતા. તેઓ તેને પૈસા અને મોબાઈલ ફોન લાવવા માટે દબાણ કરતા અને ઈનકાર કરવાથી તેને હેરાન કરતા હતા. 25 ઓક્ટોબરના રોજ ત્રણેય આરોપી વિદ્યાર્થીઓએ પીડિતને સ્કૂલના વોશરૂમમાં લઈ ગયા અને તેણી સાથે બરબરીત રીતે મારપીટ કરી, જેના કારણે બાળકના શરીરના સંવેદનશીલ ભાગમાં ગંભીર ઈજા પહોંચી.
ઘટના બાદ જ્યારે પીડિત વિદ્યાર્થીએ દુખાવાની ફરિયાદ કરી ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ ઈજાઓને ગંભીર ગણાવી છે. શરૂઆતમાં આ મામલે પોલીસ પર કેસ નોંધવામાં ટાળટૂળ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ પીડિતના પરિવારજનોએ અને સંબંધીઓએ દબાણ કરતાં અંતે જયલક્ષ્મીપુરમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી.
પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતા (BNS) 2023ની કલમ 115(2), 117(2), અને 125(b) હેઠળ તેમજ કિશોર ન્યાય અધિનિયમ 2015ની કલમ 75 હેઠળ ગુનો દાખલ કર્યો છે. FIRમાં શાળાના મેનેજમેન્ટ હેડ અને એક શિક્ષકને મુખ્ય આરોપી નંબર 1 (A1) તરીકે ઉલ્લેખ કર્યો છે, જ્યારે ત્રણેય વિદ્યાર્થીઓને કિશોર J1, J2, અને J3 તરીકે ઓળખવામાં આવ્યા છે.
પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ખાસ કરીને સ્કૂલ વહીવટીતંત્રની જવાબદારી અને બેદરકારીની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પીડિતના પરિવારને શાંતિ રાખવા દબાણ કર્યું હતું.
આ બનાવ બાદ મૈસુરના શિક્ષણ વર્તુળમાં ભારે ચિંતા ફેલાઈ છે. શિક્ષણ વિભાગે પણ આ કેસ અંગે રિપોર્ટ માગી લીધો છે અને સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવાની સંભાવના છે. બાળકો વચ્ચે વધી રહેલી હિંસા અને શાળાઓમાં દેખરેખના અભાવને લઈને વાલીઓ અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel