16 જૂન 2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આથી ચૂંટણી પંચ હવે આગામી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે બધા એ પ્રશ્ન થાય કે 2024ની લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે? શું તે 16 એપ્રિલથી શરૂ થશે? વગેરે વગેરે… હાલ સોશિયલ મીડિયા પર ચૂંટણી પંચનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેથી ચૂંટણીની તારીખ બાબતે અટકળો થવા લાગી છે. જો કે ચૂંટણી પંચ દ્વારા સ્પષ્તા કરવામાં આવી છે કે, આ તારીખથી ચૂંટણી થાય તે જરૂરી નથી. હાલ વાઇરલ સંભવિત તારીખ માત્ર એક સુચન છે. આ તારીખને ધ્યાનમાં રાખીને અધિકારીઓ જિલ્લા કક્ષાએ ચૂંટણીની યોજનાઓ સમયસર પૂર્ણ કરી શકે અને વ્યવસ્થા કરી શકે. જો કે ચૂંટણી પંચ દ્વારા હાલ સત્તાવાર રીતે કોઈ તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ છેલ્લી ચાર લોકસભા ચૂંટણી અને બંધારણીય જોગવાઈઓના આધારે અમે સંભવિત સમયમર્યાદાનો અંદાજ લગાવી શકાય છે.
ચૂંટણી પંચની જવાબદારી શું છે?
ભારતમાં લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીઓનું આયોજન ચૂંટણી પંચ દ્વારા બંધારણીય કલમ 324 મુજબ કરવામાં આવે છે. તેમજ ચૂંટણી પંચની જવાબદારી બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદામાં ચૂંટણીનું આયોજન કરવાની છે. આ સિવાય ચૂંટણી પંચ લોકસભાની તારીખો નક્કી કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પાંચ વર્ષનો કાર્યકાળ લોકસભાના દરેક ગૃહનો રહે છે અને પાંચ વર્ષ પૂરા થાય તે પહેલા નવી ચૂંટણીઓ યોજવી જરૂરી છે. તેમજ બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે રીતે પંચે લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરવાની રહે છે.
તારીખ કેટલા દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે?
2019, 2014, 2009 અને 2004 એમ છેલ્લી ચાર સામાન્ય ચૂંટણીઓ જોવામાં આવે તો પંચે ચૂંટણીની તારીખની જાહેરાત અને મતદાન વચ્ચે લગભગ 40 થી 50 દિવસનું અંતર રાખ્યું છે. 11 એપ્રિલથી 19 મે વચ્ચે એમ સાત તબક્કામાં 2019ની લોકસભા ચૂંટણી હતી. પરંતુ આ ચૂંટણીની ચૂંટણી પંચે માર્ચની શરૂઆતમાં જ તારીખો જાહેર કરી હતી.
આ વર્ષે લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે?
જો કે હાલ તો લોકસભા ચૂંટણીની કોઈ તારીખો જાહેર કરવામાં આવી નથી. છેલ્લી ચાર ચૂંટણીમાં તો એપ્રિલથી જ એટલે કે 2019માં 11 એપ્રિલ, 2014માં 7 એપ્રિલ, 2009માં 16 એપ્રિલ અને 2004માં 20 એપ્રિલથી મતદાન શરૂ થઈ ગયું હતુ અને મે મહિનામાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. આ પરથી જ એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ વર્ષે પણ મતદાન પ્રક્રિયા એપ્રિલથી મે સુધી ચાલુ રહી શકે છે. જેથી પાંચથી સાત તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ શકે.
ચૂંટણીના તબક્કામાં કઈ રીતે નક્કી થાય છે?
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા લોકસભાની વધુ બેઠકો ધરાવતા કેટલાક મોટા રાજ્યોમાં ચૂંટણી ઘણા તબક્કામાં યોજાય છે. જયારે દિલ્હી, અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ જેવા નાના રાજ્યોમાં એક કે બે તબક્કામાં ચૂંટણી પૂરી થાય છે.
છેલ્લી લોકસભા ચૂંટણીના ડેટાના આધારે જોઈએ કયા તબક્કામાં ચૂંટણી થઈ શકે છે?
પ્રથમ તબક્કો- જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, આંદામાન, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, લક્ષદ્વીપ
બીજો તબક્કો- આંધ્ર પ્રદેશ, યુપી, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, તમિલનાડુ, ત્રિપુરા, પુડુચેરી
ત્રીજો તબક્કો- આસામ, ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ
ચોથો તબક્કો- પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન
પાંચમો તબક્કો- મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ
છઠ્ઠો તબક્કો- દિલ્હી-NCR, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ
સાતમો તબક્કો- ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ
પરિણામો ક્યારે આવશે?
સામાન્ય રીતે ચૂંટણીના છેલ્લા તબક્કાના ત્રીજા કે ચોથા દિવસે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવે છે. આ પરથી એવું અનુમાન લગાવી શકાય કે 2024માં ચૂંટણીના પરિણામો 13 મેથી 23 મેની વચ્ચે આવી શકે છે.
આચારસંહિતા એટલે શું છે?
ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની, ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશ કે રાજ્યમાં જરૂરિયાત મુજબ આચારસંહિતા લાગુ કરવામાં આવે છે.
– આચારસંહિતા લાગુ થયાના સમયગાળામાં કોઈ નવું બિલ રજૂ કરી શકાતું નથી
– કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ નવી યોજનાની જાહેરાત કે અમલ કરવામાં આવી શકે નહિ
– ઉમેદવારો કે રાજકીય પક્ષો તેમના ચૂંટણી પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકતા નથી
– આ ઉપરાંત મતદાન મથક સુધી જવા માટે સરકારી પક્ષો મતદારો માટે વાહન વ્યવસ્થા કરી શકતા નથી
– ઉમેદવારો કે રાજકીય પક્ષો પરસ્પર દ્વેષ થાય અથવા બે જાતિ અને સમુદાયો વચ્ચે તણાવ જન્મે એવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે નહિ
– ચૂંટણી પ્રચાર મસ્જિદ, ચર્ચ, મંદિરો અથવા અન્ય ધાર્મિક સ્થળોનો પ્રચાર પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી શકાશે નહિ
– મતદારોને ડરાવવા, મતદારોને લાંચ આપવી, મતદાન મથકોની 100 મીટરની અંદર પ્રચાર કરવો એ બધી બાબતો ચૂંટણી કાયદા હેઠળ ગુના છે. જો કોઈ ઉમેદવાર દ્વારા આ નિયમો તોડવામાં આવશે તો તે ઉમેદવારનું નામાંકન રદ થઈ શકે છે અને જો ધરપકડ થાય તો પણ જામીન મેળવવી સરળ નથી.