દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. 10 નવેમ્બરનાં સાંજે થયેલા આ વિસ્ફોટમાં અનેક લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તપાસ એજન્સીઓને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્ફોટમાં વપરાયેલી સફેદ હ્યુન્ડાઈ i20 કાર સવારથી જ દિલ્હીની વિવિધ જગ્યાઓ પર ફરતી જોવા મળી હતી અને અંતે સાંજે લાલ કિલ્લા નજીક ધડાકો થયો હતો.
સીસીટીવી ફૂટેજ મુજબ, આ કાર બપોરે સુનેહરી મસ્જિદના પાર્કિંગમાં પ્રવેશી હતી અને ત્યાં લગભગ ત્રણ કલાક સુધી પાર્ક રહી હતી. પછી સાંજે 6:48 વાગ્યે કાર પાર્કિંગમાંથી નીકળી હતી, અને બહાર નીકળ્યાના ફક્ત ચારે મિનિટ પછી, એટલે કે 6:52 વાગ્યે, લાલ કિલ્લા નજીક નેતાજી સુભાષ માર્ગ પર ટ્રાફિક સિગ્નલ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. ધડાકાનો અવાજ આસપાસના 1 થી 2 કિલોમીટર વિસ્તાર સુધી સંભળાયો હતો.
કારનો નંબર HR26CE7674 હોવાનું જાણવા મળ્યું છે, જે હરિયાણાના ગુરુગ્રામમાં રજીસ્ટર્ડ છે. 2014માં આ કાર મોહમ્મદ સલમાન નામના વ્યક્તિના નામે હતી, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે ત્યારબાદ કાર અનેક હાથે વેચાઈ ગઈ હતી. અંતિમ માલિક તરીકે જમ્મુ-કાશ્મીરના તારિક નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. દિલ્હીની સ્પેશિયલ સેલે મોહમ્મદ સલમાનને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે, જેથી માલિકી અને લિંકની સત્યતા જાણી શકાય.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે કારનો પૂરો રુટ ટ્રેસ કર્યો છે. કાર ફરીદાબાદ વિસ્તારથી દિલ્હી પ્રવેશી હતી, જ્યાંથી જૈશ-એ-મોહમ્મદ (JeM) સંગઠનના સંભવિત આતંકવાદી મોડ્યુલ સાથે તેનો કનેક્શન મળ્યો છે. અગાઉ ફરીદાબાદમાંથી જ ડૉ. મુઝમ્મિલ, ડૉ. આદિલ, અને શાહીના સહિત 7 શંકાસ્પદોને પકડી લેવામાં આવ્યા હતા.
આ કેસમાં હવે ડૉ. મોહમ્મદ ઉમર, જેને મુખ્ય સુત્રધાર માનવામાં આવે છે, તેનો ચહેરો પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયો છે. ઉમર અને તેના સાથીદારો પર શંકા છે કે તેમણે જ કારમાં વિસ્ફોટક સામગ્રી ફિટ કરી હતી. હાલ NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી), IB (ઇન્ટેલિજન્સ બ્યુરો), દિલ્હી પોલીસ, અને જમ્મુ-કાશ્મીર પોલીસ મળીને આ કેસની સંયુક્ત તપાસ કરી રહી છે.
સુરક્ષા એજન્સીઓના મતે, આ વિસ્ફોટ એક સુનિયોજિત આતંકી કાવતરું હોઈ શકે છે, જે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારમાં અફરાતફરી ફેલાવવા માટે બનાવવામાં આવ્યું હતું. હાલ કારના અવશેષો, વિસ્ફોટકના નમૂનાઓ અને ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ આશા રાખે છે કે આવનારા દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel