પાકિસ્તાન અત્યારે આર્થિક રીતે કંગાળ થઈ રહ્યુ છે અને તેમાં ઉપરોક્ત નિર્ણય પણ જવાબદાર છે. જેની સામે હવે પાકિસ્તાનમાં અવાજ ઉઠવા માંડયો છે. પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ અને આ દેશના મુકેશ અંબાણી તરીકે ઓળખાતા મિયાં મહોમ્મ્દ માંશાએ ભારતની પ્રશંસાના પુલ બાંધ્યા છે અને સરકારને ટકોર કરી છે કે, પાડોશી દેશો સાથે સબંધો સુધારવા જોઈએ તેમજ પાકિસ્તાને ભારત પાસે મદદ માંગવી જોઈએ. ભારત સાથે ફરી વેપાર શરૂ કરવો જોઈએ નહીંતર પાકિસ્તાનની સ્થિતિ વધારે બગડી શકે છે.
એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં મહોમ્મદ માશાએ કહ્યુ હતુ કે, દેશની ઈકોનોમી સુધારવી હશે તો કડવા નિર્ણય લેવા પડશે. ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હોવા છતા વેપાર ચાલી રહ્યો હોય તો પાકિસ્તાન કેમ આવુ નથી કરી રહ્યુ…ભારત સાથે વેપાર કરવાના કારણે પાકિસ્તાન માટે ઘણી તકો ઉભી થશે. પાડોશી દેશો સાથે સબંધો સારા રાખવા જ જોઈએ. કારણકે તમે પાડોશીને બદલી શકવાના નથી.
તેમણે ભારતના ભરપૂર વખાણ કરીને કહ્યુ હતુ કે, માત્ર ટુવાલ વેચવાથી વિદેશી હુંડિયામણનો ખજાનો નહીં ભરાય. તમારે વિદેશી રોકાણને આકર્ષવુ પડશે. ભારતે આ જ કર્યુ છે. ભારતે માત્ર 1991માં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની મદદ લીધી હતી પણ એ પછી પાછુ વળીને જોયુ નથી. મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓ ભારત જઈ રહી છે. કારણકે ભારતે વિદેશી રોકાણકારો માટે અનુકુળ માહોલ બનાવ્યો છે. જ્યારે પાકિસ્તાનમાંથી વિદેશી રોકાણકારો ભાગી રહ્યા છે. કારણકે અહીંયા કાયદા કાનૂન લાગુ જ ના હોય તેવો માહોલ છે.