બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યભરમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. એવામાં આજે હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ આપ્યું છે.
બિપરજોય વાવાઝોડાની અસરથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. 25 કિમીથી વધુની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. વરસાદને લઇને શહેરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ વરસાદની રમઝટ જોવા મળી રહી છે. આજે સવારથી ભારે પવન સાથે અમદાવાદના બોપલ, સેલા, ઇસ્કોન, પ્રહલાદનગર, સાઉથ બોપલ,શીલજ, સહિત અમદાવાદના મોટાભાગના શહેરમાં મેઘાંડબરના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.