પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના એક મોટા કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને મોટો ઝટકો લાગ્યો છે. ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની વિશેષ કોર્ટે તોશાખાના-2 ભ્રષ્ટાચાર કેસમાં બંનેને 17-17 વર્ષની કેદની સજા ફટકારી છે. અદિયાલા જેલમાં રચાયેલી વિશેષ કોર્ટના સ્પેશિયલ જજ શાહરુખ અરજુમંદે ચુકાદો સંભળાવતા બંનેને સરકારી વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા હતા. આ સાથે કોર્ટએ બંને પર 1 કરોડ 64 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જે ન ચૂકવવામાં આવે તો વધારાની જેલ સજા ભોગવવી પડશે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ મામલો વર્ષ 2021નો છે, જ્યારે સાઉદી અરબના રાજકુમારે ઈમરાન ખાનને એક મોંઘો બુલ્ગારી જ્વેલરી સેટ ભેટમાં આપ્યો હતો. તપાસમાં ખુલ્યું હતું કે આ જ્વેલરીની વાસ્તવિક કિંમત 7 કરોડ 15 લાખ પાકિસ્તાની રૂપિયાથી વધુ હતી, પરંતુ તેને માત્ર 58 લાખ રૂપિયામાં ખરીદી હોવાનું દર્શાવવામાં આવ્યું, જે તોશાખાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન હતું. કોર્ટએ આને સરકારી સંપત્તિનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો.
ચુકાદા મુજબ ઈમરાન ખાનને ગુનાહિત વિશ્વાસઘાત હેઠળ 10 વર્ષની અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે બુશરા બીબીને સમાન ધારાઓ હેઠળ કુલ 17 વર્ષની સજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે. આ પહેલાં પણ જાન્યુઆરી 2025માં અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનને 14 વર્ષ અને બુશરા બીબીને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. નવા ચુકાદા બાદ પાકિસ્તાનની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel