આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો વિકાસલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રિંઝા ગામ નજીક સાબરમતી નદી પર રૂ.110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી સહિત આસપાસના અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. ચોમાસા દરમિયાન સાબરમતી નદીના વહેણમાં ફેરફાર થવાના કારણે આ ગામોના લોકોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ઘણી વખત તેઓ સંપર્કવિહોણા થઈ જતા હતા. આ મુદ્દે ગ્રામજનો દ્વારા કરાયેલી રજૂઆતને સરકારે ગંભીરતાથી લઈ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે.
રૂ.110 કરોડના આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર બે માર્ગીય (ટુ-લેન) આધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે બ્રિજ સુધી પહોંચવા માટે પથરેખા પર આશરે 4 કિલોમીટર લાંબો નવો રસ્તો પણ બનાવાશે. ફાળવાયેલ ભંડોળમાં બ્રિજ અને રસ્તાના બાંધકામ ઉપરાંત જમીન સંપાદન, બાંધકામ પહેલાં જરૂરી હાઇડ્રોલિક સર્વે, સોઇલ ઇન્વેસ્ટિગેશન (માટી પરીક્ષણ) અને ડિઝાઇનિંગ જેવી તમામ જરૂરી પ્રક્રિયાઓનો ખર્ચ પણ સામેલ છે.
નવો પુલ તૈયાર થયા બાદ ચોમાસા દરમિયાન સંપર્ક તૂટી જવાની સમસ્યા કાયમી રીતે દૂર થશે. સ્થાનિક વાહનવ્યવહાર વધુ સુગમ બનશે, ખેતી અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓને ગતિ મળશે અને ગામડાંઓના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. કુલ મળીને, આ પ્રોજેક્ટ ગ્રામજનોના ‘ઈઝ ઑફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો કરી તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel