ટ્રાફિકનો નિયમ તોડતાં બાઈકસવારની બાઈકની ચાવી કાઢવાનો ટ્રાફિક પોલીસને અધિકાર નથી, એવું મુંબઈ સેશન્સ કોર્ટે જણાવ્યું છે. તેમજ બાઈકચાલકે ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યા બાદ દંડવસૂલી માટે ટ્રાફિક પોલીસ તેને ચોકીમાં આવવાનું બંધન કરી શકે નહીં, એવું પણ આદેશમાં સ્પષ્ટ કર્યું છે. એક કેસની સુનાવણીમાં સેશન્સ કોર્ટે આદેશ આપતી વેળાએ આમ જણાવ્યું છે.
ટ્રાફિક પોલીસે એક યુવાનની સરકારી કામમાં અડચણ લાવવા અને ટ્રાફિકનો નિયમ તોડવા અંગે એકની અટકાયત કરી હતી. મુંબઈ સેશન્સ કોર્ટે પૂરતાં પૂરાવાને અભાવે સંબંધિત યુવાનને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યો હતો. એ સમયે જ ટ્રાફિક પોલીસની દંડવસૂલી કરવાની પદ્ધતી પર કોર્ટે નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, ટ્રાફિક નિયમનો ભંગ કરનારની બાઈકની ચાવી કાઢી લેવાનો અધિકાર ટ્રાફિક પોલીસને નથી. તેટલું જ નહીં તો બાઈકચાલકે ડ્રાઈવિંગ લાઈસન્સ આપી દીધા બાદ દંડવસૂલી માટે તેને પોલીસ સ્ટેશનમાં આવવાની ફરજ પાડી શકાય નહીં.
છ વર્ષથી ચાલી રહેલાં આ કેસમાં સરકારી પક્ષે કોર્ટ સમક્ષ પોતાની રજૂઆત કરતાં કહ્યું કે, કોલાબા પરિસરના એન.એસ.રોડના સિગ્નલ પર સંબંધિત યુવાન હેલ્મેટ વિના બાઈક ચલાવી રહ્યો હતો. તે સમયે તેણે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું અને પોલીસને સામે આવતી જોઈ તેણે પાછું હેલ્મેટ પહેલી લીધું હતું. પરંતુ ટ્રાફિક પોલીસે સંબંધિત યુવક પાસેથી દંડવસૂલીની કાર્યવાહી કરી તે સમયે ફરજ પર રહેલા કોન્સ્ટેબલ પર યુવાને હુમલો કર્યો હતો. પરંતુ યુવાને કોઈ હુમલો કર્યાના પૂરાવા મળી શક્યા નહોતાં. આથી તેે નિર્દોષ મુક્ત કરાયો છે.
વધુમાં કોર્ટે કહ્યું કે, ટ્રાફિક પોલીસે સંબંધિત યુવાનનું ડ્રાઈવિંગ લાઈસન્સ તાબામાં લીધું હતું. આથી તેને આરોપીનું નામ અને એડ્રેસ મળી ગયા હતા. તેના આધારે ટ્રાફિક પોલીસ જૂના ટ્રાફિક નિયમાનુસાર કાર્યવાહી કરી શકી હોત. પરંતુ ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદ્દલ વાહનચાલક પાસેથી જબરદસ્તી દંડવસૂલી કરવાનો અધિકાર ટ્રાફિક પોલીસને નહોતો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ઈ-ચલાન, પાવતી પ્રક્રિયા કે રજીસ્ટ્રેશન નંબરનો ફોટો લઈ કાર્યવાહી કરી શકાય છે. લાઈસન્સ જમા કર્યા બાદ પોલીસ બાઈક ચાલકને પોલીસ સ્ટેશનમાં આવવાની ફરજ પાડી શકે નહીં. આરોપી ચાલકે લાઈન્સ જમા કરાવ્યા બાદ સંબંધિત ઓથોરિટી સામે દંડની રકમ જમા કરાવી તેને લાઈસન્સ પાછું આપવા વિશે કહી શકાયું હોત.