ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં પ્રારંભિક વિજાણું અભ્યાસ માટે સરકાર દ્વારા સુવિધા પ્રાપ્ત થઈ છે. અહીંયા વિજાણું પ્રણાલી પ્રયોગ શાળાનો લાભ મળ્યો છે.
દિવસે દિવસે આગળ વધતાં વિજ્ઞાન સંશોધન સાથે પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં વિજાણું પ્રણાલી હવે અનિવાર્ય બની રહેલ છે, ત્યારે શાળાઓમાં પણ આ વર્ગો જરૂરી છે. આ સંદર્ભે સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં સરકારી માધ્યમિક શાળામાં પણ સરકાર દ્વારા શિક્ષણ વિભાગ અંતર્ગત પ્રારંભિક વિજાણું (કોમ્પ્યુટર) અભ્યાસ માટે સરકાર સુવિધા ઉપલબ્ધ થઈ છે અને ૧૫ એકમ મળતાં વિદ્યાર્થીઓ હરખ અને ઉત્સુકતા સાથે તેનો અભ્યાસ મેળવી રહ્યા છે.
શાળાનાં આચાર્ય નિતેશભાઈ જોષીનાં સંકલન સાથે શિક્ષકો દેવરાજભાઈ ઉકાણી તથા ચિંતનભાઈ ત્રિવેદી દ્વારા પાઠ્યક્રમ અભ્યાસ તેમજ શાળાનાં કર્મચારી ભગીરથભાઈ સાંગા દ્વારા શિક્ષણ સાથે યોજનાકીય લાભો માટે વિદ્યાર્થીઓને પૂરતો સહયોગ મળી રહ્યો છે.
ઈશ્વરિયા કેળવણી મંડળનાં પ્રમુખ વીરશંગભાઈ સોલંકી તથા મંત્રી મૂકેશકુમાર પંડિતે શિક્ષણ વિભાગ દ્વારા અહી અપાયેલ આ સુવિધા માટે આભારની લાગણી વ્યક્ત કરેલ છે.