હિંસાગ્રસ્ત મણિપુરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અપીલની અસર દેખાઈ રહી છે. ત્યાં પોલીસ સ્ટેશનોમાંથી પણ લુંટવામાં આવેલા શસ્ત્રો અને દારૂગોળો તોફાનીઓ સરેન્ડર કરી રહ્યા છે. મણિપુર પોલીસે કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલ પછી મણિપુરમાં અલગ અલગ સ્થાનોએ મળી ૧૪૦ જેટલા શસ્ત્રને સરેન્ડર કરાયાં છે.
પૂર્વોત્તરનાં હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં ચાર દિવસની યાત્રા પૂરી કર્યા પછી શાહ દિલ્હી પરત પહોંચી ગયા છે. દિલ્હી જતા પૂર્વે તેઓએ બંને જૂથોના અગ્રણીઓ સાથે અલગ અલગ મંત્રણા કરી હતી. તેઓએ કહ્યું કે રાજ્યમાં શસ્ત્રોની જપ્તી માટે પોલીસ શુક્રવારથી તપાસ શરૂ કરશે.
આ પછી બહુ મોટા પ્રમાણમાં શસ્ત્રો સરેન્ડર કરવામાં આવ્યાં હતાં. તેમાં કુલ ૧૪૦ શસ્ત્રો હતાં. તે પૈકી એસ.એલ.આર. ૨૯, ઉપરાંત કાર્બાઇન, એકે-૪૭ રાઇફલ્સ, ૩૦૩ રાઇફલ્સ, ૯ પિસ્તોલ અને ૧૬ રાયફલ્સ સ્મોકગન, ટીયર ગેસ, દેશી પિસ્તોલો, સ્ટેનગન્સ મોડીફાઇડ રાઇફલ્સ જેવીપી અને ગ્રેનેડ લોન્ચર્સ સામેલ છે.
શાહે વધુમાં કહ્યું હતું કે, આ હિંસાચારની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિનાં નેતૃત્વ નીચે તપાસ સમિતિ રચવામાં આવશે. રાજ્યપાલ આમૂસ ઉઝગેની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિ પણ રચાશે.
આ સાથે શાહે આ હિંસામાં માર્યા ગયેલાઓનાં કુટુંબીજનોને આર્થિક વળતર અને પુર્નવાસ પેકેજની પણ જાહેરાત કરી છે.