પાકિસ્તાન પર કટ્ટરવાદી વિચારણસરણી હાવી થઈ ચુકી છે અને તેના કારણે સમાજનો એક મોટો વર્ગ હિન્દુ સહિતની બીજી લઘુમતીઓ પર અત્યાચારો ગુજરવામાં કશું બાકી રાખી રહ્યો નથી.
પાકિસ્તાનમાં હિન્દુઓના ધર્માંતરણનો સિલસિલો યથાવત છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વધુ એક હિન્દુ યુવતીનુ બળજબરથી અપહરણ કર્યા બાદ ધર્મપરિવર્તન કરાવાયુ હતુ અને તેનુ મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યુ હતુ.
યુવતીનુ નામ રજિતા કોલ્હી છે અને નિકાહ બાદ તેનુ નામ પણ બદલી નાંખામાં આવ્યુ છે.લગ્ન બાદ યુવતીને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તેણે પોતાના પરિવારજનો સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ તેને કોર્ટે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.
પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારીઓ માટે લડનારા સંગઠનના સંસ્થાપક શિવ કાચીએ સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં કહ્યુ હતુ કે, કોર્ટમાં હિન્દુ યુવતીની સાથે એક પંજાબી મુસ્લિમ યુવતીને પણ ઘરેથી ભાગીને લગ્ન કરવા બદલ રજૂ કરાઈ હતી.કોર્ટે પંજાબી મુસ્લિમ યુવતીને તેના પરિવાર સાથે મોકલી આપી હતી અને હિન્દુ યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
રજિતા કોલ્હી પરિવાર સાથે જવા માટે બૂમો પાડતી રહી હતી પણ કોર્ટ પોતાના નિર્ણયથી ટસથી મસ થઈ નહોતી.
શિવ કાચીના કહેવા અનુસાર પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તનના મામલા વધી રહ્યા છે અને સિંધમાં હિન્દુ પરેશાન પણ કરવામાં આવે છે.કટ્ટરવાદીઓ હિન્દુ વિસ્તારોમાં બંદુકો સાથે ઘૂસીને દહેશત ફેલાવે છે અને આવા કિસ્સાઓમાં પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે.